Site icon Revoi.in

અમદાવાદથી અયોધ્યા જતી ફ્લાઈટ પાઈલોટ ન હોવાથી રદ કરવી પડી

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પર અયોધ્યા જતી ફ્લાઈટ શનિવારે રદ કરી દેવાતા 184 પેસેન્જરો રઝળી પડ્યા હતા. વારાણસીથી ફ્લાઈટ અમદાવાદ સમયસર આવી ગઈ હતી. પરંતુ તે ફ્લાઈટના પાઈલટની ડ્યૂટીના કલાકો પૂરાં થઈ ગય હતા. આ જ ફ્લાઈટ અયોધ્યા જવાની હતી પરંતુ પાઈલટ ન હોવાથી રદ કરવાની ફરજ પડી હતી. ફ્લાઈટ રદ થતાં અયોધ્યા જતાં 184 પેસેન્જર રઝળી પડ્યા હતા અને એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદના એરપોર્ટ પર અયોધ્યા જતી ફ્લાઈટ 11:10 કલાકે ટેકઓફ ઓફ થવાની હતી. 184 પેસેન્જરોથી ફ્લાઈટ આખી ફૂલ હતી. મોટાભાગના પ્રવાસીઓ સવારે 10 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. દરમિયાનમાં સ્ટાફે પેસેન્જરોને જણાવ્યું કે વારાણસીથી અમદાવાદ ફ્લાઈટ આવી ગઈ છે પરંતુ અયોધ્યા જવા માટે એરલાઇન પાસે પાઈલોટ ઉપલબ્ધ ન હોવાથી ફ્લાઈટ ટેકઓફ થશે નહીં, આમ ફ્લાઈટ રદ કર્યાની જાણ થતાં  રોષે ભરાયેલા પ્રવાસીઓ અને એરપોર્ટ સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. એરલાઇન પાસે અન્ય વિકલ્પ ન હોવાથી તમામ પેસેન્જરો ઘરે પરત ફર્યા હતા. ફ્લાઈટ રદ થવાના કારણે પેસેન્જરોના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા.

એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ, દિલ્હી જેવા મેટ્રોસિટીમાં એરલાઇનનો બેઝ હોવાથી પાઈલટ અને ક્રૂ મેમ્બર ઉપલબ્ધ હોય છે. જેથી ફ્લાઈટમાં ગમે ત્યારે કોઈપણ સમયે ઇમરજન્સીમાં પાઈલટ કે ક્રૂની જરૂર પડે તો મળી રહે છે, સ્પાઇસ જેટ પાસે અમદાવાદમાં પાઈલટ, ક્રુ ઉપલબ્ધ ન હોવાથી ફ્લાઇટ ગ્રાઉન્ડ કરાઈ હતી.