અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે ફ્લાઈટની સખ્યામાં પણ વધારો થયો છે. સાથે ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ કેન્સલ થતાં 130 જેટલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એરપોર્ટ પર પ્રવાસીઓને જવાબ પણ સંતોષજનક નહીં મળતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી સિલિગુડી જવા માટે પ્રવાસીઓ સવારે સરદાર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરમિયાન ઘણા પ્રવાસીઓએ તો બોર્ડિગ પાસ પણ મેળવી લીધા હતા. ત્યારબાદ એકાએક જાહેરાત કરવામાં આવી હતી કે, સિલિગુડી જતી ફ્લાઈટ અનિવાર્ય સંજાગોને કારણે કેન્સલ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા એરલાઈન સ્ટાફ અને પ્રવાસીઓ વચ્ચે ભારે રકઝક પણ થઈ હતી. ફ્લાઇટમાં સવાર કેટલાક પેસેન્જર સિલિગુડી ફરવા જતા હોવાથી હોટલ બુકિંગ કરાવી દીધું હતું તેવા પેસેન્જર પણ મુશ્કેલીમાં મુકાયા હતા તેમ છતાં એરલાઇનના નફ્ફટ સત્તાધીશોનું પેટનું પાણીય હલ્યું નહિ.અને ફ્લાઈટ બીજા દિવસે સવારે ટેકઑફ કરવાનું નક્કી કર્યું હતું.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટના 130 પ્રવાસીઓએ સવારે 7 વાગે એરપોર્ટ પર પહોંચી ચેકઇન કરાવી બોર્ડિંગ પાસ આપી સિકયુરિટી હોલ્ટ એરિયામાં ફ્લાઈટની રાહ જોઇને બેઠા હતા. અડધો કલાક બાદ ફ્લાઈટ ન આવતા પેસેન્જરે સ્ટાફને પૂછતાં ફ્લાઈટ થોડીવારમાં આવશે ત્યારબાદ આમ 11.50 થઈ ગયા પણ ફ્લાઇટના કોઈ ઠેકાણાં ન હતા. થોડીવારમાં આવશે તેમ સ્ટાફ દ્વારા છેક સુધી જૂઠ્ઠાણું ચલાવતા રહ્યા આખરે ફ્લાઈટ રદ કરી હોવાની જાહેરાત કરતા પેસેન્જર અકળાયા હતા. બંને પક્ષઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. એર લાઈનના સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યુ હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. દરમિયાન રોષે ભરાયેલા પેસેન્જરે એરપોર્ટ પર ભારે હલ્લાબોલ મચાવ્યો હતો.