Site icon Revoi.in

કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ ગાઢ ધૂમ્મસને લીધે 13 કલાક મોડી પડી

Social Share

અમદાવાદઃ કુવૈતના એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ સર્જાતા અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ નં.6-ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા હતા.

કુવૈતમાં પણ છેલ્લા બે-ચાર દિવસથી વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ સર્જાતા વિમાની સેવાને અસર પડી રહી છે. જ્યારે ભારતમાં ખાસ કરીને દિલ્હી, સહિત ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં સવારના પહોરમાં ગાઢ ધૂમ્મસ સર્જાય રહ્યું છે. તેના કારણે ઉત્તર ભારતના વિવિધ શહેરામાંથી અમદાવાદ આવતી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. જેમાં ગુરુવારે અમદાવાદ આવતી જતી 9 ફ્લાઈટો 1 કલાકથી વધુ મોડી પડી હતી, જ્યારે સ્પાઈસ જેટની દિલ્હી – અમદાવાદ અને ગોફર્સ્ટની મુંબઈ – અમદાવાદ, ચંડીગઢ – અમદાવાદ, અમદાવાદ – મુંબઈ અને અમદાવાદ – મુંબઈ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ડિગોની અમદાવાદથી કુવૈત જતી ફ્લાઈટ 6ઈ 1753 બુધવારે મોડી રાતે સમયસર ઉપડી હતી. જે કુવૈત પહોંચી ત્યારે ત્યાં એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ખુબજ ઓછી હોવાના કારણે આ ફ્લાઈટને દુબઈ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ કુવૈત એરપોર્ટ પર વિઝિબિલિટી સુધરતા આ ફ્લાઈટ દુબઈથી પરત કુવૈત મોકલવામાં આવી હતી. જેના પગલે પેસેન્જરોને ટર્મિનલમાં જ લગભગ 15 કલાક જેટલો સમય બેસી રાહ જોવાનો વારો આવ્યો હતો. આ ફ્લાઈટ કુવૈતથી સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદ માટે રવાના થઈ હતી જે મોડી રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ આવી હતી.

(PHOTO-FILE)