Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટ પર પુનાથી આવેલી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરાયું

Social Share

રાજકોટઃ શહેરના સીમાડે અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે બનાવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણને મહિનાઓ થતાં છતાંયે હજુ વિદેશની ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી હાલ માત્ર ડોમેસ્ટિક ફલાઈટ્સ ઉડાન ભરી રહી છે. ત્યારે ઈન્ડિગો દ્વારા સૌપ્રથમ વખત A-321 એર ક્રાફ્ટ પુણેથી રાજકોટ ઉડાવવામાં આવી હતી. 6E-135 ફ્લાઈટ પુણેથી ટેકઓફ થઈ હતી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સાંજે 16.23 વાગ્યે લેન્ડ થઈ હતી. જેમાં 187 મુસાફરો પુણેથી રાજકોટ આવ્યા હતા અને 161 મુસાફરો રાજકોટથી પુણે જવા રવાના થયા હતા. જે દરમિયાન આ ફ્લાઈટનું વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનાથી એરપોર્ટ ઉપર અદભુત નજારો જોવા મળ્યો હતો. ઇન્ડિગોની પુણેની ફ્લાઇટ દર મંગળવાર, ગુરૂવાર અને રવિવારે ઉડાન ભરશે. આ અગાઉ એર ઈન્ડિયા દ્વારા પણ અગાઉ આ પ્રકારની ફ્લાઈટ ઉડાવવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  વિન્ટર શેડ્યુલ મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચાર્ટર સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફલાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને સુરતની ફ્લાઇટ દૈનિક છે. જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની 15.50 વાગ્યાની ફલાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે. દરમિયાન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અગાઉ એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગો દ્વારા A-321 એરક્રાફ્ટ આજે પુણેથી રાજકોટ ઉડાવવામાં આવી હતી. જેનું વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024 માં મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ એટલે કે નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1 – 1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા હોવાનુ જાહેર કરાયું હતું.