દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્વાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી હવામાં ઉડતી મોટરકારની ચર્ચાઓ વેગવંતી બની છે. દરમિયાન ભારતમાં આગામી દિવસોમાં આકાશમાં ઉડતી કાર જોવા મળે તેવી શકયતા છે. ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ ફ્લાઈંગ કાર બનાવી છે. આ મોટરકાર આગામી ઓક્ટોબરમાં લોન્ચ થવાની શકયતા છે. કંપની દ્વારા સિંધિયા સમક્ષ રજૂ કરાયેલા ખ્યાલ મુજબ, બે મુસાફરો તેમાં ઉડાન ભરી શકશે.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ફ્લાઈંગ કારને ઉડાવવાની પરવાનગી આપી છે. ઘણી કંપનીઓ આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. દરમિયાન વિનતા એરોમોબિલીટી કંપની ઓફ ઈન્ડિયાનું નામા પણ આ યાદીમાં સમાવવામાં આવ્યું છે. હાઈબ્રિડ ફ્લાઈંગ કાર ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. કંપનીએ પહેલીવાર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને કારનું મોડેલ બતાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, તેઓ વિનાતા એરોમોબિલીટીની એક યુવાન ટીમને મળ્યા હતા અને કોન્સેપ્ટ ફ્લાઇંગ કારની તપાસ કરી હતી. તેમણે એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કારની સંપૂર્ણ સમીક્ષા કરી છે. જ્યારે આ કાર વાસ્તવમાં તૈયાર થઈ જશે ત્યારે લોકો અને સામાનને અહીંથી ત્યાં ખસેડી શકાય છે. આ ઉપરાંત, આ ઉડતી કાર મેડિકલ ઈમરજન્સીમાં પણ ઘણી મદદ કરશે.
આ કાર 5મી ઓકટોબરે લંડનમાં લોન્ચ થઈ શકે છે. જો કે, તેની કિંમત અંગે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. હાઈબ્રિડ કાર સામાન્ય કાર જેવી લાગે છે, પરંતુ તેમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પેટ્રોલ/ડીઝલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટર છે. આ ટેકનિકને હાઇબ્રિડ કહેવામાં આવે છે. હાલ મોટાભાગની કંપનીઓ આ પ્રકારની કાર પર કામ કરી રહી છે. મેડ ઇન ઇન્ડિયા ફ્લાઇંગ કાર વીજળીની સાથે બાયો ફ્યુઅલ પર પણ ચાલશે, જેથી તેની ઉડવાની ક્ષમતા વધારી શકાય.