Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : 26 જિલ્લાના 97 તાલુકામાં વરસાદ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેનાથી ક્યાંક વરસાદનો કેર તો ક્યાંક મહેર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ઉચ્છલમાં 2.5 ઈંચ તો કુકરમુંડામાં સવા ઈંચ, નિઝરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 54.88% વરસાદ નોંધાયો છે.

રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 53 જળાશયો હાઈ એલર્ટ પર અને 10 જળાશયો એલર્ટ પર અને 11 જળાશયો વોર્નિંગ પર છે. જો હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ જળાશયોની વાત કરવામાં આવે તો, ભરૂચનો ધોળી, ગીર સોમાનાથનો મછુંદરી અને હિરણ -2, જુનાગઢનો મધુવંતી, પોરબંદરનો અન્બીપુર, રાજકોટનો ફોફલ -1, જામનગરનો સસોઈ સહીત 53 ડેમ હાઈ એલર્ટ પર છે. જેથી નીંચાણ વાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ રાજ્યનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 53.67 ટકા સુધી ભરાયો છે.