ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના કંઠાળ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યારે દરિયા નજીક સિંહનો જ મૃતદેહ મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક ગઇકાલે મંગળવારે સાંજના સમયે સિંહનો મૃતદેહ હોવાની વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સિંહના મૃતદેહનો કબજો સંભાળી મોતનું કારણ મેળવવા તપાસ હાથ ધરી હતી. જો કે મૃતક નરસિંહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. મૃત્યુ થયુ઼ તેનુ સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે, કે સિંહનું મોત ક્યા કારણથી થયું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સિંહના મૃતદેહ પાસે વન વિભાગના સ્ટાફની અછતના કારણે પુરતી સંખ્યા હાજર ન હોય ગ્રામજનોની પણ મદદ લેવી પડી હતી. છેલ્લા બે મહિનામાં જ સિંહના મોતની આ બીજી ઘટના બનતા પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત બન્યા છે અને વનવિભાગ સિહોની પુરતી કાળજી ન લેતુ હોવાનો બળાપો કાઢી રહ્યા હતા. સિંહનું મોતનું કારણ પોર્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હાલ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સિંહના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. એટલે કુદરતી રીતે સિંહનું મૃત્યુ થયુ હોય તેવુ હાલ લાગી રહ્યું છે. મહુવાના દરિયાકાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહના આંટાફેરા વધી રહ્યા છે. જોકે મહુવા પંથકના લોકો સિંહ પ્રેમી હોવાથી સિંહને કોઈ ખલેલ પહોંચાડતા નથી.