ગીર જંગલમાં શિકારીઓને ઝડપી લેવા માટે વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન, રેડ એલર્ટ જાહેર કરાયું
અમદાવાદઃ ભારતમાં સિંહનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં શિકારીઓ સક્રીય થયાનું સામે આવતા વન વિભાગ સક્રીય થયું છે. તેમજ શિકારીઓને ઝડપી લેવા માટે વનવિભાગે એલર્ટ જાહેર કરીને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શિકારીઓએ સિંહને ફસાવવા માટે છ સ્થળો ઉપર ગોઠલેવા ફાસલા પૈકી 4 ફાસલાને શોધી કાઢવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ વિસ્તારમાં એક સિંહબાળ ફાસલામાં મળી આવતા વન વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ આરંભીને ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. વન વિભાગની તપાસમાં છ સ્થળો ઉપર ફાસલા ગોઠવવામાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું. જેથી વન વિભાગે તપાસ આરંભી ચાર ફાસલા શોધી કાઢ્યાં છે. જ્યારે અન્ય બે ફાસલાને શોધવાની કવાયત આરંભી છે. આ ઉપરાંત શિકારી ટોળકીને ઝડપી લેવા માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને પગલે ગીર પુર્વ-પશ્ચિમ, સાસણ, ગીરનાર, વેરાવળ, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, રાજકોટ, સહીતના ડિવિઝનનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સઘન પેટ્રોલિંગ અને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.