સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને પાટડીના અફાટ ગણાતા રણ વિસ્તારમાં તો આકાશમાંથી અંગારા ઓકતી ગરમી પડી રહી છે. આવી અસહ્ય ગરમીમાં પણ વન વિભાગના કર્મચારીઓ દ્વારા રણ વિસ્તારમાં ઘૂડસરની વસતી ગણતરી કરવામાં આવી રહી છે. સીસીટીવી સાથેના ડ્રોન તેમજ અદ્યત્તન કેમેરા દ્વારા ઘૂડસરોનું લોકેશન મેળવીને ઘુડખરમાં નર, માદા અને બચ્ચાની અલગ અલગ ગણતરી કરવામાં આવી રહી છે.
કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખર ગણતરીનો પ્રારંભ કરાયો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદના 15.51.093 હેકટર વિસ્તારમાં ઘુડખરની ગણતરી કરાશે. ત્રણ રિજિયન, 18 ઝોન, 77 સબ ઝોન સહિત 362 ભાગોમાં વિભાજીત કરાયા છે. જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ પણ ગણતરીમાં જોડાયા છે. ઘુડખર એ એક એવું પ્રાણી છે કે, રણમાં 0થી 50 ડિગ્રી તાપમાનમાં પણ સરળતાથી રહી શકે છે. રણના પવનવેગી દોડવીર તરીકે ઓળખાતા ઘૂડખરની ઊંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનું વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. સામાન્ય રીતે કલાકના 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા રણના પવનવેગી દોડવીરને રણમાં દોડતું જોવું એ એક લ્હાવા સમાન છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઘુડખરમાં નર, માદા અને બચ્ચાની અલગ અલગ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં નાના બચ્ચા તો અલગ જ તરી આવે છે. જ્યારે નર ઘુડખરનો કલર ઘાટો ઘઉં વર્ણો હોય છે, જ્યારે માદા ઘુડખરનો કલર આછો સફેદ હોય છે. સામાન્યત: ઘુડખર રોજ અંદાજે 20થી 30 કિમીનું અંતર કાપે છે. સિઝન પ્રમાણે એમનો ખોરાક અલગ અલગ હોય છે. સામાન્યત: રોજનો અંદાજે 20 કિલો જેટલો ખોરાક આરોગે છે. જે વસ્તુમાં ટઇડકારો જેવો અવાજ આવે એ ખોરાક એમને વધુ સારો લાગે છે. કુલ 362 લોકેશનની એક ટીમમાં 3 લોકો જેમાં વન વિભાગનો સરકારી કર્મચારી, એક મદદનીશ એનજીઓનો માણસ અને એક લોકલ મજૂર એમ 3 જણાની ટીમ હોય છે. વેરાન રણમાં 45 ડિગ્રી તાપમાનમા દરેક ટીમ સવારે 6થી 11 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી જ કામ કરે છે. અને વન વિભાગના આલા અધિકારીઓ દરેક ટીમનું સતત મોનિટરિંગ કરે છે.