Site icon Revoi.in

ગાંધીનગરમાં વરસાદ ખેંચાતા વન વિભાગે રોપા વિતરણ અને વૃક્ષારોપણની કામગીરી અટકાવી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી. આકાશમાં વાદળો ગોરંભાયા છે. વાતાવરણમાં બફારો પણ વધ્યો છે. પણ વરસાદ પડતો નથી. ત્યારે ગાંધીનગરમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણની કામગીરી વરસાદ ખેંચાવાને લીધે અટકાવી દેવામીં આવી છે.

ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં હજુ સુધી વરસાદની એન્ટ્રી થઇ નથી જેના કારણે શહેરમાં વૃક્ષારોપણની કામગીરી અટવાઇ છે. વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરી દેવાયું હતું, પણ વરસાદ ખેંચાતા હાલ મુલત્વી રાખવામાં આવ્યું છે. હવે વરસાદ પડે પછી જ કામગીરી શરૂ કરાશે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરને ફરીથી હરિયાળું બનાવવા માટે છેલ્લા બે વર્ષથી મિશન મિલીયન ટ્રી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ બે વર્ષથી ચોમાસા દરમિયાન 8થી 10 લાખ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે વન વિભાગ દ્વારા પણ આ વખતે જિલ્લામાં 14 લાખ વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ મોટા પ્રમાણમાં છોડ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણેય રીતે આયોજન તૈયાર છે પરંતુ વરસાદ ખેંચાતા હજુ સુધી કામગીરી થઇ શકી નથી. વન વિભાગ આ વખતે 22 લાખ રોપાનું વિતરણ કરવાનું છે પરંતુ હાલ આ વિતરણ પણ બંધ રાખવામાં આવ્યું છે. વરસાદ પડ્યો ન હોય તેવા સંજોગોમાં જો વાવેતર કરાય તો છોડ બળી જવાની શક્યતા રહે છે. (file photo)