- યાત્રિકોની સુરક્ષાને લીધે વન વિભાગે જહેમત ઉઠાવી,
- વન વિભાગના સ્ટાફે સતત વોચ રાખીને રીંછનું લોકોશન મેળવ્યું,
- ગન વડે રિંછને બેભાન કરીને રેસ્ક્યુ કરાયું,
પાલનપુરઃ બનાસકાંઠાના અંબાજી નજીક ગબ્બરના પહાડી વિસ્તારમાં રિંછ આટાંફેરા મારતું હોવાથી વન વિભાગ એલર્ટ બન્યું હતું. અંબાજીમાં હાલ બે-ત્રણ દિવસ બાદ ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. પદયાત્રિકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે યાત્રિકોની સલામતી માટે વન વિભાગે રિંછને પકડવાની જહેમત ઉઠાવી હતી. અને વન કર્મીઓને 6 કલાક સુધી સતત વોચ રાખીને રિંછનું લોકેશન મેળવી ગન વડે રિંછને બેભાન કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
અંબાજીના ગબ્બર પર રીંછને પકડવા માટે 6 કલાકની મહેનત બાદ સમગ્ર ટીમ દ્વારા રીંછને પકડી પાડવામાં આવ્યો હતો. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સ્ટેંક્યું ગનથી બેભાન કરી રીંછનું રેસ્કયૂ કરાયું હતું. સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ દેખાતો હતો. ત્યારે ગબ્બર પર આવતા યાત્રિકોની સુરક્ષાને લઇ સવાલો ઊભા થયા હતા. ત્યાર બાદ સવારથી જ રેસ્ક્યૂ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનીટરીંગ અને વોચ રાખી આખરે રીંછનું રેસક્યૂ કરાયું હતું.
અંબાજી ગબ્બર શક્તિપીઠ પર ભારે ભયનો ઓથાર સર્જી દેનાર જંગલી રીંછને વન વિભાગની જુદીજુદી ટીમોની જહેમત બાદ પાંજરા ભેગુ કરતા વન વિભાગ સહિત તંત્રે હાશકારો અનુભવ્યો છે. છેલ્લાં એકવીસ દિવસથી અંબાજી ગબ્બર શક્તિપીઠ પર જંગલી રીંછની આવન-જાવનને કારણે યાત્રિકોમાં દહેશતનું મોજું ફરી વળ્યું હતું. જેને લઇને વન વિભાગ દ્વારા સઘન તપાસ અને વન કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ, અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા વન વિભાગની વિવિધ ટીમો દ્વારા રીંછને રેસ્ક્યૂ કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગબ્બર ઉતરતા શેષ નાગની ગુફા નજીક રીંછ દેખાતાં જ તેને મૂર્છિત કરવાની ગનથી બેભાન કરી અંતે પીંજરા ભેગું કરવામાં આવ્યું હતું.
અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતસિંહ રાણાના જણાવ્યા મુજબ છ કલાકની જહેમતના અંતે રીંછને રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. રીંછ એકદમ સ્વસ્થ છે. અને ભાનમાં પણ આવી ચૂક્યું છે. જેને હવે ઉપલા અધિકારીની સૂચના મુજબ પુનઃ જંગલમાં મુક્ત કરવામાં આવશે.