Site icon Revoi.in

લોકસભાની સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ભાજપ સામે કરાયો આક્ષેપ

Social Share

સુરતઃ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. લોકસભા સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયાનો ભાજપ સામે આરોપ કર્યો હતો. ત્યારે આ મામલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટ પર હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં  કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાંખ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. જોકે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં સુરતમાં કોંગ્રેસમાં નવો કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના જ નેતાઓએ કુંભાણી સામે પૈસા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાને કારણે બેઠક ગુમાવી પડી તેવા કોંગ્રેસમા અંદરખાને આક્ષેપો ઉઠ્યા છે. હાલ નિલેશ કુંભાણી તરફ શંકાની સોય ઉભી થઈ છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે, કઈ રીતે પોતાના જ પરિવારજનો આ રીતે દગો કરી જાય. એ સો ટકા તપાસનો વિષય છે. ટેકેદાર તો તેમના જ સગા હતા, તો કેવી રીતે દગો કરી શકે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ. કે, સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી હતી. સુરતમાં પાટીદારોની નારાજગી, માલધારી સમાજની નારાજગી, દલિત, આદિવાસી સહિત તમામ જ્ઞાતિઓનો વિરોધ હતો.  લોકશાહીમાં પ્રતિભાવ વ્યક્ત કરવાનો અધિકાર છે. સુરતના ઉમેદવાર જીતી જશે તેવો ડર હતો એટલે તેમને ડરાવવામાં આવ્યા હતા. અમારા ઉમેદવાર કહેતા કે ગમે તેમ ડરાવે પણ હું લડીશ. જેમને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય તેવા હથકંડા અપનાવ્યા છે. જે લોકોએ ટેકેદાર તરીકે સહી કરી તેમણે કહ્યું, આ સહી અમારી નથી. ડમી ફોર્મ ભરનાર ટેકેદારને પણ પોલીસ જાપ્તામાં લઈને જાય છે. મીડિયા કે કોંગ્રેસ પક્ષના કોઈ સભ્યને મળવા નથી દીધા. ઉલટ તપાસ માટે એક દિવસનો ટાઇમ અપાય છે. એક વ્યક્તિ સંપર્કમાં આવીને ગુમ થઈ ગયો, ભાજપ ચૂંટણી હારી જાય તેમ છે એટલે આ હથકંડો કર્યો છે. મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ એકનો 11થી બદલો લેશે. કુંભાણી અંગે કોઈ વ્યક્તિગત અભિપ્રાય આપ્યો હોઈ શકે. પક્ષના કાર્યકરોને વિનંતી કે તેઓ ઉમેદવારની પ્રમાણિકતા અંગે પ્રશ્નો ઊભા ના કરે.