ભૂજઃ ભચાઉ અને ભૂજમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનારા નવા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આજે 6 ઠ્ઠી ઓગસ્ટને રવિવારના સવારે “અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી ભારતભરના કુલ 508 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરાશે. કુલ 24,470 કરોડના ખર્ચે બનનારા તમામ રેલવે સ્ટેશનમાં કચ્છના ન્યુ ભુજ અને ભચાઉનો પણ સમાવેશ થાય છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ભુજમાં 202 કરોડના ખર્ચે અને ભચાઉમાં 41.27 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું પુનઃ નિર્માણ કરાશે. જેની ડિઝાઈન કેવી હશે તેનો લે આઉટ શિલાન્યાસ અગાઉ વિભાગ દ્વારા જાહેર કરાયો હતો. ભચાઉ રેલવે સ્ટેશનમાં અંદર અને બહારથી બે અલાયદા પ્રવેશ હશે, તેમજ સ્ટેશન ડેવલમેન્ટ માટે 16.01 કરોડ અને ફુટ ઓવરબ્રીજ પ્લેટફોર્મ માટે 25.26 કરોડનો, આમ કુલ 41.27 કરોડના ખર્ચે નવું ભચાઉનું રેલવે સ્ટેશન તૈયાર થશે. આ તમામ સ્ટેશનના ડિઝાઈન સ્થાનિક સંસ્કૃતિ, વારસા અને સ્થાપત્યથી પ્રેરીત બનાવાઈ છે. જેનો સીટી સેન્ટર તરીકે વિકાસ થાય તેમ બન્ને તરફથી જગ્યા, વધુ લાઈટિંગ, પાર્કિંગ સ્પેસ, દિવ્યાંગોને સાનુકુળ આવાગમનની વ્યવસ્થાઓ સહિતની અત્યાધુનિક સગવડો તેમાં હશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના પાટનગર ભુજ રેલવે સ્ટેશનને હવાઇમથક જેવું અદ્યતન રૂ.180 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જે પ્રોજેકટનું આજે રવિવારે સવારે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. રેલવે દ્વારા ન્યુ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર પુનર્વિકસિત કરાઈ રહ્યું છે. સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરાયું છે ન્યુ ભુજ રેલવે સ્ટેશન 2 વર્ષમાં બની જશે તેવી ધારણા છે.જેથી હાલમાં હયાત બિલ્ડીંગની બાજુમાં કામચલાઉ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. નવા સ્ટેશનમાં આગમન પ્રસ્થાનના ગેટ સાથે યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ નિકાસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે.પ્લેટફોર્મ પર યાત્રીઓ માટે સુવિધાઓથી યુક્ત પ્રતિક્ષા સ્થાન હશે.ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ, નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી ચાલિત વાહનોના સંચાલનની પણ વ્યવસ્થા કરાઈ છે.સોલાર પેનલ યુક્ત છત,6 મીટર પહોળા 2 ફુટ ઓવર બ્રિજ, 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ,CCTV, EV ચાર્જિંગ સ્ટેશન વગેરે સુવિધાઓ નવા સ્ટેશનમાં હશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દેશમાં અમૃત ભારત યોજના હેઠળ 508 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભુજ અને ભચાઉ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે.સવારે 9 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે જેમાં સ્વાગત,શોર્ટ મુવી પ્રદર્શન,સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ 11 કલાકે વડાપ્રધાન વર્ચ્યુઅલી સંબોધન કરી ખાતમુહૂર્ત કરશે.