ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના રોડ-રસ્તાઓનું વાયબ્રન્ટ સમિટ પહેલા નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી તરફના આઈકોનીક રોડને અંદાજીત 32 કરોડના ખર્ચે તૈયાર કરીને સમયાંતર વિવિધ રંગબેરંગી ફૂલ છોડ – વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. પરંતુ ઉનાળાની ગરમીમાં તંત્રની યોગ્ય જાળવણીના અભાવે ફુલ-ઝાડ સુકાઈ ગયા છે. આમ રોડની બન્ને સાઈડ અને ડિવાઈડર પર લીલાછમ વૃક્ષો અને ફુલોને લીધે ગ્રીનરી જોવા મળતી હતી તે હવે જોવા મળતી નથી.
ગાંધીનગર શહેરના ભાઈજીપુરા – PDPU- પંચમેશ્વર, ગિફ્ટ સિટી તરફનો 6 કિમીનો આઈકોનિક રોડને વાયબ્રન્ટ સમિટને લીધે બે મહિનામાં કરોડોના ખર્ચે તૈયાર કરાયો હતો. .જીએમસી અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં લેન્ડસ્કેપિંગ, સાઇકલ ટ્રેક, પંચમેશ્વર જંકશન, આઇકોનિલ આઈલેન્ડ અને સિગ્નેચર ગાર્ડન, વોકિંગ ટ્રેક અને કલાત્મક સાઈનેઝનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના 6000 ફૂલછોડ રોડની સમાંતર ઉછેરવામાં આવ્યા હતા. આ મુખ્ય રોડ પર આઇકોનિક સર્કલ તરીકે પંચમેશ્વર જંક્શન/ સર્કલ વિકસાવવામાં આવ્યો છે. આ સર્કલની લંબાઈ 38 મી. અને પહોળાઈ 16 મી. મળી અંડાકાર છે. આ સર્કલ પર તથા આજુબાજુના આઈલેન્ડ પર અંદાજે 6 હજાર જેટલા ફુલછોડ વાવીને લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યુ હતુ. આ સર્કલની વચ્ચે ત્રણ મેટ્રોનાં વર્ટિકલ પિલર સર્કલની શોભામાં વધારો કરે છે. ઉપરાંત આ રોડ પર ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પીડીપીયુના પરિસરની આજુબાજુ સ્માર્ટ સિટી અંતર્ગત નોલેજ હબ તરીકે લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન, ફુટપાથ, આઈકોનિક લાઈટનિંગનું અમલીકરણ કરવામાં આવતાં શોભામાં વધારો કરાયો હતો.
ગાંધીનગર શહેરના ભાઈજીપુરા – PDPU- પંચમેશ્વર, ગિફ્ટ સિટી તરફનો 6 કિમીના આઈકોનિક રોડ પર બ્યુટીફીકેશનની સાથે ગાઢ જંગલ ઊભું કરવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં તંત્રની ઘોર બેદરકારીનાં કારણે મોટાભાગના ફૂલછોડ યોગ્ય જાળવણીનાં અભાવે સુકાઈ ગયા છે. ઠેર ઠેર ફેન્સીંગ, ફૂટપાથ તૂટી ગઈ છે. એમાંય પ્લાન્ટેશનનાં મુહૂર્તની રાહમાં સેંકડો લીલાછમ છોડ સુકાઈને મોતને ભેટયા છે.