અમદાવાદઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ઈન્ડસ યુનિવર્સિટીના યજમાનપદે બે દિવસીય જી-20 અને સી-20 કોન્ફરન્સ આગામી તા. 27 અને 28મી મે, શનિવાર અને રવિવારના રોજ યુનિ. કેમ્પસ ખાતે યોજાશે. આ કોન્ફરન્સમાં આચરણઃ ‘ જીવનશૈલી માટે સુચક શાણપણ’ વિષય પર સંવાદ યોજાશે.
ઈન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. રિતુ ભંડારી, અને એસોસિએટ પ્રેસિડેન્ટ ડો. નાગેશ ભંડારીએ જણાવ્યું હતું કે, જી-20 અને સી-20 કોન્ફરન્સના યજમાનપદના સહભાગી થવાનો જે મોકો મળ્યો તે માટે ગૌરવ અનુભવીએ છીએ. આ કોન્ફરન્સના સંવાદમાં વિચારોના આદાન-પ્રદાનથી ઘણી જાણકારી પ્રાપ્ત થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. જી-20ની બેઠકો યોજવામાં ગુજરાત પણ સહભાગી બન્યું છે.
ગુજરાત વિવિધ વિષયો પર શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ બન્યું છે. ગુજરાતમાં જુદા જુદા ફલક પર મહત્વની 15 બેઠકો જાન્યુઆરીથી યોજવામાં આવી રહી છે. જેમાં વિવિધ વિષયો પર સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.