Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતીના ગાંધી આશ્રમને વિશ્વસ્તરિય સુવિધા સાથે તૈયાર કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં આજે મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. શહેરના સાબરમતી આશ્રમમાં પણ કાર્યક્રમો યોજાયા હતા. સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ, જે વૈશ્વિક વારસાની ધરોહર છે. આ ગાંધી આશ્રમના સમગ્ર સંકુલને 55 એકર વિસ્તારમાં રિડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે. આશરે રૂ.1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ લાઇબ્રેરી ધરાવતા આ નવવિકસિત સંકુલની કામગીરીની દેખરેખ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી થઈ રહી છે. ગુજરાતના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે. કૈલાસનાથનને આ માટેની સઘળી જવાબદારી સોંપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી આશ્રમની વર્લ્ડકલાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે. સમગ્ર વિસ્તારને સાઇલન્ટ ઝોન બનાવવામાં આવશે અને એની સાથે આશ્રમનાં મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવવામાં આવશે. અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો-ગેલરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઇન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને એને કેન્દ્ર સરકારમાં ફાઇનલ મંજૂરી માટે મોકલાયો છે. કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવીનીકરણ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.

સૂત્રઓએ ઉમેર્યું હતું કે, ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના નવા પાર્લમેન્ટ હાઉસ અને વારાણસીના કાશીવિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇનની કામગીરી બિમલ પટેલે જ સંભાળી હતી. હવે તેઓ ગાંધી આશ્રમને પણ વૈશ્વિક રૂપરંગ આપવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગાંધી આશ્રમની આસપાસ માત્ર ને માત્ર ગાંધીજીના અનુયાયીઓ અને ગાંધીવાદીઓની સલાહ-સૂચન મુજબ જ વિકાસકાર્ય કરવામાં આવશે. ખાસ કરીને ડેવલપમેન્ટના નામે ફાઇવસ્ટાર હોટલો કે એવું કંઈ નહીં બને, જેનાથી ગાંધી આશ્રમની ગરિમાને નુકસાન થાય. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયથી ગાંધી આશ્રમના વિકાસ માટેની વિચારણા ચાલી રહી હતી. ખાસ કરીને વિશ્વભરના લોકો ગાંધી આશ્રમની મુલાકાતે આવે અને બાપુનો શાંતિ અને અહિંસાનો સંદેશો લઈને જાય એવી નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી. હવે અહીં 5 વર્લ્ડક્લાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જેથી વિશ્વભરના લોકોને ગાંધીજીના અનદેખા વારસાનો પણ અહેસાસ થાય.