ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભાટ, પેથાપુર અને ઝૂંડાલમાં અદ્યતન ફાયર સ્ટેશન બનાવાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેથી શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ મ્યુનિ,કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યા છે. ત્યારે વસ્તી વ્યાપ તેમજ વિસ્તાર વધતાં આગના બનાવો વખતે ઝડપી પહોંચી વળવા માટે ગાંધીનગરના ભાટ, પેથાપુર અને ઝૂંડાલમાં આશરે છથી સાત હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ સાથેના નવા ત્રણ અદ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે જમીનની પણ ફાળવણી કરી દેવાઈ છે. અંદાજીત 54 કરોડના ખર્ચે નવા ફાયરના વાહનો તેમજ સાધનો વસાવી ફાયરમેનની ભરતી પણ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પેથાપુર નગરપાલિકા વિસ્તાર, શહેર ફરતે આવેલાં 18 ગામ તેમજ અન્ય 7 ગામોને મર્જ કરી દેવામાં આવ્યા છે. 2જી ઓગસ્ટ, 1965ના દિને ગાંધીનગરની પ્રથમ ઈંટ મુકાઈ હતી. ત્યારબાદ ગાંધીનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. વર્ષ 2011માં સે-1થી 30 સેક્ટર અને 7 ગામોને સમાવતું મ્યુનિ.કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું હતું. હવે શહેરની બહાર વસ્તી અને વધતા વિસ્તારને પણ મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવી લેવાતાં મ્યુનિ. કોર્પોરેશનનો વ્યાપ પેથાપુરથી લઈને ભાટ-ઈન્દિરા બ્રિજ સુધી અને બીજા છેડે વૈષ્ણોદેવી સુધી વધ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પેથાપુર પાલિકા, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજા ગ્રામ પંચાયતો, તારાપુરા, ઉવારસદની ટીપી નં-9નો વિસ્તાર, ધોળાકૂવામાં ગુડાની ટીપી નંબર 4, 5 અને 6ના રેવન્યુ સરવે નંબરો, ઇન્દ્રોડામાં ટીપી નંબર 5, લવારપુર, શાહપુરની ટીપી નંબર 25નો રેવન્યુ વિસ્તાર તથા બાસણ ગામના ગુડા વિસ્તારના તમામ સરવે નંબરોનો ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે. મ્યુનિ. કોર્પોરેશનમાં 45 હજાર રહેણાક અને 10 હજાર કોમર્શિયલ મિલકતો હતી, જે હવે ત્રણ ગણી થઈ છે. મ્યુનિ.નો વિસ્તાર 5732થી વધીને 19 હજાર હેક્ટરથી વધુ થયો છે. મ્યુનિ. વિસ્તારની 2.75 લાખ વસ્તીમાં અંદાજે 2.25 લાખની વસ્તીનો ઉમેરો થયો છે. આથી મ્યુનિ કોર્પોરેશનની જવાબદારી સાથે ટેક્સ અને વેરાની આવકમાં વધારો થયો છે. (file photo)