Site icon Revoi.in

ભાવનગરના મહુવાની સરકારી હોસ્પિટલના સિલિંગમાંથી પડતા ગાબડાંથી દર્દીઓમાં ભય

Social Share

ભાવનગરઃ રાજ્યમાં આરોગ્ય માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં તાલુકા મથકે સરકારી હોસ્પિટલોના મકાનોની જર્જરિત હાલત જોવા મળી રહી છે. જિલ્લાના મહુવાની સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગની એવી હાલત છે. કે બિલ્ડિંગના છતમાંથી પોપડાં પડી રહ્યા છે. જેથી દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે. ચોમાસાની ઋતુંમાં તો ગમે ત્યારે છતમાંથી ગાબડાં પડે છે. આ અંગે હોસ્પિટલના સત્તાધિશોએ અવાર-નવાર સંબંધિત વિભાગને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના મહુવાની જનરલ હોસ્પિટલની સ્થિતિ બિસ્માર બની ગઈ છે. હોસ્પિટલનું મકાન એટલું જર્જરિત થઈ ગયું છે. કે, દર્દીઓ અંદર જતા ડરી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધિશોએ સંબંધિત વિભાગને આ સંદર્ભે રજુઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી. તાજેતરમાં હોસ્પિટલમાં એક દૂર્ઘટના થતી રહી ગઈ હતી. જેમાં એક દર્દીના બેડ પર છતના ભાગેથી પોપડા પડ્યા હતા. સદનસીબે ત્યાં કોઈ દર્દી હતો નહીં તેથી કોઈ જાનહાની થઈ નહતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહુવાની સરકારી હોસ્પિટલમાં અનેકવાર આવી નાની મોટી ઘટનાઓ બનતી જ હોય છે, પરંતુ તંત્ર દ્વારા ક્યારે પણ ધ્યાન દોરવામાં આવતું નથી. થોડા સમય પહેલા  અખબારોમાં પણ અહેવાલ રજૂ થયા હતા. પરંતુ કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. હવે તો દર્દી તો ઠીક ડોક્ટર અને સ્ટાફ પણ પોતાના જીવનને જોખમમાં મૂકીને નોકરી કરતા હોય એવું લાગી રહ્યું છે ખરેખર આવી પરિસ્થિતિ રહેશે તો હોસ્પિટલ એક દિવસ પડીને ખંડેર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.