અમદાવાદ મનપામાં મેયરની ચૂંટણી માટે 11 સપ્ટેમ્બરે જનરલ બોર્ડની બેઠક મળશે
ગાંધીનગરઃ અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તારીખ 12મી સપ્ટેમ્બરે જનરલ બોર્ડ મળે તેવી સંભાવના છે.
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે મેયરની બેઠક મહિલા માટે અનામત છે. જેથી ભાજપમાં હાલ ભાજપના નેતાઓ અને મહિલા કોર્પોરેટરમાં લોબીંગની કામગીરી ચાલી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં મનપામાં ભાજપનું શાસન છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ સહિતની મનપામાં ભાજપનું જ શાસન છે. અમદાવાદ શહેરમાં મેયર પદ માટે શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન, લાંભા વોર્ડના ડૉ.ચાંદની પટેલ, અસારવા વોર્ડના અનસૂયાબેન પટેલ, થલતેજ વોર્ડના ઋષિના પટેલ, પાલડી વોર્ડના પૂજા દવે, ઇસનપુર વોર્ડના મોના રાવલ, વટવા વોર્ડના જલ્પા પંડ્યા અને નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી આ વખતે કોને મેયર પદની જવાબદારી સોંપે છે તેની પર સૌકોઈની નજર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીઓ ભાજપા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભાજપા દ્વારા તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેથી મેયરની પસંદગીને પણ લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી રહી છે.