અમદાવાદઃ મ્યુનિસિયલ કોર્પોરેશનની ટાગોર હોલમાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાધારી ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા બંને પક્ષના સભ્યો સામ-સામે આવી ગયા હતા. એટલું જ નહીં હંગામો મચાવતા બોર્ડ બરખાસ્ત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં કોંગ્રેસના સભ્યોએ ભાજપ સામે સુત્રોચ્ચાર કર્યાં હતા. સામાન્ય સભામાં હંગામો થતા વિકાસના કામો ઉપર ચર્ચા નહીં થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ટાગોર હોલમાં કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં પૂર્વ વિપક્ષના મહિતા નેતા કમળાબેનએ ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, તાજેતરમાં જ એક અધિકારી ગાય અંગે લાંચ લેતા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી સત્તાધારી ભાજપના સભ્યોએ માંફીની માંગણી કરી હતી. ત્યાર બાદ મામલો બિચક્યો હતો. તેમજ ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામ-સામે આવી ગયા હતા તેમજ સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવ્યો હતો.
સામાન્ય સભામાં ભારે હંગામો થતા સુરક્ષામાં તૈનાત ફાયરબ્રિગેડના જવાનોએ મેયર સહિતના આગેવાનોને કોર્ડન કર્યાં હતા. તેમજ તેમને બહાર લઈ જવાયાં હતા. મેયરને પાછળના દરવાજેથી બહાર લઈ જવાયાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સભ્યોએ ડાયસ ઉપર ઘસી જઈને હંગામો મચાવાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય સભામાં ભારે હંગામાને પગલે સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરીને ટાગોર હોલના સંકુલમાં સુત્રોચ્ચાર કર્યાં હતા.