Site icon Revoi.in

વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારત માટે 2024 GDP વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2% કર્યું

Social Share

નવી દિલ્હીઃ અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે 2024 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો છે, જે અગાઉ 6.8 ટકા હતો. વિકાસ દરના અંદાજમાં વધારાનું કારણ દેશમાં ખાનગી વપરાશમાં ઝડપી વધારો છે. ગ્લોબલ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, શમાં ‘ફુગાવામાં ઘટાડાને કારણે પારિવારિક વપરાશ વધી રહ્યો છે. સામાન્ય ચોમાસા કરતાં સારા રહેવાને કારણે સારા પાકની અપેક્ષા છે, જેના કારણે ગ્રામીણ માંગ પાછી આવી રહી છે.’ તેમણે વધુમાં કહ્યું કે આ આગાહીમાં અમે ધાર્યું છે કે ભવિષ્યમાં મજબૂત વૃદ્ધિ દર જોવા મળશે.

મૂડીઝનો આ અંદાજ RBIના અનુમાન અને સેન્ટ્રલ બેંકના અનુમાન મુજબ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.આનું કારણ દેશમાં ગ્રામીણ અને શહેરી માંગમાં વધારો છે. RBI દ્વારા વૃદ્ધિ દરના અંદાજ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે,  દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કારણે કૃષિ ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી શકે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવકમાં વધારો થશે અને વિકાસ દરને અસર થશે. મૂડીઝે પણ 2025 માટે વૃદ્ધિ દરનો અંદાજ 6.4 ટકાથી વધારીને 6.6 ટકા કર્યો છે.

મૂડીઝે વધુમાં જણાવ્યું હતું કે ભારતનો મધ્યમથી લાંબા ગાળાનો વિકાસ દર દેશમાં કામદારોના પર્યાપ્ત પૂલ પર આધારિત છે. વર્તમાન વાતાવરણમાં દેશ આરામથી 6 થી 7 % GDP વૃદ્ધિ દર હાંસલ કરી શકે છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે. તેનું કારણ ચાલુ ખાતાની ખાધ ઘટાડવાનું છે. મૂડીઝનું માનવું છે કે આગામી સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. તે 2024માં 2.7 ટકા અને 2025માં 2.5 ટકા હોઈ શકે છે, જે 2023માં 3 ટકા હતી. ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા છે. 2023-24માં ભારતનો GDP 8.2 ટકાના દરે વધવાની અપેક્ષા હતી.