Site icon Revoi.in

શિક્ષક સંઘની માગ સરકારે સ્વીકારી, રાજ્યની પ્રા. શાળાઓનો સમય સવારનો કરાયો

Social Share

ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના સંક્રમણના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગણી કરી હતી કે, જુલાઇથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે. જે માંગણી સ્વીકારી લેવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. જોકે બાળકોની સલામતી માટે હજુ ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું નથી. બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં બાળકો ન આવતા હોવા છતાં શિક્ષકોને બપોરથી સાંજ સુધી શાળામાં રોકાવવું પડતું હતું તેથી શાળાઓનો સમય સવારનો કરવાની માગ ઊઠી હતી. શિક્ષક સંગે પણ સરકાર સમક્ષ શાળાનો સમય સવારનો કરવા માટે રજુઆત કરી હતી. એટલે સરકારે શાળાઓનો સમય સવારનો કરવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરી શકે છે. જેથી રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા હોવા છતાં શાળાઓ ખોલવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના કાળના સમયમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હોય અને ઓનલાઇન શિક્ષણ ચાલુ હોય જેથી શિક્ષકોને ફરજિયાત શાળાએથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહે છે. જેથી શિક્ષણ સંઘે સવારની શાળા કરવાની માંગ કરી હતી. જે માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે.