1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના 135 વર્ષ જુના એલિસબ્રિજના રિનોવેશન માટે સરકારે રૂપિયા 32.40 કરોડ ફાળવ્યા,
અમદાવાદના 135 વર્ષ જુના એલિસબ્રિજના રિનોવેશન માટે સરકારે રૂપિયા 32.40 કરોડ ફાળવ્યા,

અમદાવાદના 135 વર્ષ જુના એલિસબ્રિજના રિનોવેશન માટે સરકારે રૂપિયા 32.40 કરોડ ફાળવ્યા,

0
Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર આવેલો એલિસબ્રિજ 135 વર્ષ જુનો અને ઐતિહાસિક છે. આ બ્રિજ જર્જરિત બન્યા બાદ રાહદારીઓ માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ બ્રિજને રૂપિયા 32.40 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. ત્યારબાદ રાહદારીઓ માટે બ્રિજ ખૂલ્લો મુકાશે

રાજ્ય સરકારે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે. શહેરમાં સાબરમતી નદી પર અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં એલિસબ્રિજ બનાવવામાં આવ્યો હતો. 433.41 મીટર લંબાઇ અને 6.25 મીટરની પહોળાઈનો આ એલિસબ્રિજ, 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે. આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લાં 10 વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના ઐતિહાસિક હેરિટેજ એલિસ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરીને આ માટે માતબર રકમ ફાળવી છે. ફક્ત એટલું જ નહીં, પુનઃસ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકશે. તેમજ લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રીપેરીંગ મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે. ઐતિહાસિક એલિસ બ્રિજની જે સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાવાની છે, તેમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્‍જર્સ તેમજ બોટમ જોઈન્ટ્સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત પિયરને કોરોઝનથી બચાવવા એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ, જર્જરીત થઈ ગયેલા બોટમ ડેક સ્લેબને દૂર કરી નવો કરવાની કામગીરી પણ હાથ ધરાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code