પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ઘાસચારા અને પાણીની તંગીમાં આંકરો ઉનાળો પસાર કર્યો છે. સરકારે મહિનાઓ પહેલા પાંજરોપોળ અને ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. પણ આજસુધી સરકારે ફદીયું પણ આપ્યું નથી. બીજુબાજુ સરકારે સહાય જાહેર કર્યા બાદ પાંજરોપોળો અને ગૌ શાળાઓને દાનવીરો દ્વારા મળતું ડોનેશન પણ બંધ થઈ ગયું છે.આથી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો હજારો પશુઓને નિભાવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સરકાર દ્વારા ત્વરિત સહાય મળે તે માટે બનાસકાંઠામાં લડતનો આરંભ કરવામાં આવ્યો છે. પાંજરાપોળ અને ગૌશાળાઓના સંચાલકો તેમજ સહિત સાધુ-સંતોએ પ્રતિક ઉપવાસ કરીને પાલનપુર જિલ્લા કલેકટર કચેરી નજીક ધરણા કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળો માટે 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ તેનું ચુકવણું ન કરતા ગૌશાળાના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૌ શાળા સંચાલકોએ સાધુ-સંતોને સાથે રાખીને આવેદનપત્ર પાઠવી અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા ગૌશાળાના સંચાલકો, સાધુ સંતો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી મુલકી ભવન સામે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. અને રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં રખડતા પશુની સહાય, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓની સાર સંભાળ થાય છે. આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી. પરંતુ કોરોનાની મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે. તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળાના પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે.અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે.
આ મામલે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે કંટાળેલા સંચાલકો સાધુ સંતો મંગળવારે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી બહાર મુજે ભવન સામે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને ગૌશાળાની હાલત કફોડી બનતા સંચાલકો પાલનપુર રોડ ઉપર ઉતરી લોકો પાસે આર્થિક સહાય પણ માંગી હતી જો સરકાર દ્વારા જલ્દીથી સહાય ચૂકવવામાં નહી આવે તો આંદોલન કરવાની ગૌ શાળા સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી