ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સરકારે 2600 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થવાને હવે ગણતરીને દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણીબધી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. બીજી બાજુ વિદ્યાસહાયકોની ભરતી માટે વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. સરકારે ભરતી માટેનો નિર્ણય લેતા હવે તેમની આતૂરતાનો અંત આવશે.
ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8માં વિદ્યા સહાયક ગુજરાતી માધ્યમની કુલ 2600 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ માટે 11 ઓક્ટોબર 2022 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા વધારાના ગુણ આપવામાં આવશે. ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5માં 1000 અને ધોરણ 6થી 8માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ધોરણ 1થી 5માં સામાન્ય ભરતી 961 અને ઘટ ભરતી 39 મળીને કુલ 1000 ભરતી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8માં ગણિત-વિજ્ઞાન વિષય માટે સામાન્ય ભરતી 403 અને ઘટ ભરતી 347 મળીને કુલ 750 ભરતી કરવામાં આવશે. અન્ય ભાષાના વિષયો માટે સામાન્ય ભરતી 173 અને ઘટ ભરતી 77 મળીને કુલ 250 ભરતી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે સામાન્ય ભરતી 387 અને ઘટ ભરતી 213 મળીને કુલ 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5 ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.