અમદાવાદઃ ગુજરાતમાં અનેક નગરપાલિકાઓની આર્થિક હાલત એટલી કથળેલી છે. કે, વીજળી બિલો પણ ભરી શકતી નથી. એટલે નગરપાલિકાઓ પર વીજળીના બાકી બિલોનું કરોડો રૂપિયાનું કરજ ચડી ગયું છે. વીજ કંપનીઓએ ઘણીબધી નગરપાલિકાઓના વીજ કનેક્શનો પણ કાપી નાંખ્યા હતા. હવે સરકાર દ્વારા નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટમાંથી બાકી વીજળી બિલોની રકમ કાપી લેવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર નગરપાલિકાની 2.50 કરોડ તેમજ ભૂજ નગરપાલિકાના ગ્રાન્ટમાંથી 2.30 કરોડ જેટલી રકમ કાપીને વીજ કંપનીઓના બિલ ભરી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર – વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા શહેરની જનતાને વર્તમાન સમયે જે પાણી વિતરણ કરે છે ,તે વૉટર વર્ક્સ સહિત વીજળીનું બિલ દર મહિને રૂ. 50 લાખથી વધુનું આવે છે, નગરપાલિકાએ 10 વર્ષથી વધુ સમયથી વીજ કંપનીને બિલ ન ચુકવતાં આ દેવું 32 કરોડને પાર થઈ ગયું છે. નગરપાલિકા વીજ કંપનીને નાણાં ન ભરતી હોવાને કારણે સરકારે તાજેતરમાં નગરપાલિકાને જે સ્વર્ણિમની ગ્રાન્ટની ફાળવવાની હતી, તેમાંથી રૂ. 2.50 કરોડની માતબર રકમ કાપીને વીજકંપનીને ચૂકવી દીધી હતી.
આ ઉપરાંત ભુજ નગરપાલિકાની કુલ 5 કરોડ રૂપિયાની શહેરી વિકાસ યોજના 2022/23ની ગ્રાન્ટ મંજુર થઈ હતી, જેમાં પ્રથમ હપ્તામાં 2 કરોડ 50 લાખ રૂપિયા ઉપરાંત વરસાદમાં ખરાબ થયેલા માર્ગો માટે 20 લાખ મળીને કુલ 2 કરોડ 70 લાખ રૂપિયા ચૂકવાયા હતા, જેથી 2 કરોડ 30 લાખ રૂપિયા ચૂકવવાના બાકી રહેતા હતા. જે રકમ વીજ બિલ પેટે 1 કરોડ 29 લાખ 24 હજાર અને શહેરમાં 2015થી 2021 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઈ.એસ.એસ.એલ. કંપનીને એલ.ઈ.ડી. લગાડવાનો ઠેકો અપાયો હતો. જેનો ખર્ચ અંતે નગરપાલિકા ઉપર જ નાખવામાં આવ્યો છે, આમ, ભુજ નગરપાલિકા પાસેથી કુલ 2 કરોડ 30 લાખ રૂપિયા કાપી લેવાયા છે, જેથી ગ્રાન્ટમાંથી હવે એકેય રૂપિયો મળશે નહીં.
સૂરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાનું વીજબિલ 10 વર્ષથી ખેંચાતું આવે છે. જોકે આ પ્રશ્ન ગુજરાતની તમામ પાલિકાઓમાં છે. આથી સરકારે નિર્ણય કર્યો છે કે પાલિકાને મળતી ગ્રાન્ટમાંથી વીજ બિલ પેટે રકમ કાપી લેવી તે મુજબ સુરેન્દ્રનગર પાલિકાની રકમ કાપી લેવામાં આવી છે. સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકા વીજ બિલનાં નાણાં ન ભરતી હોઈ સરકારે 2005-2006માં સેટલમેન્ટ યોજના અમલી બનાવી હતી, જે અંતર્ગત પાલિકાની ગ્રાન્ટમાંથી દર મહિને રૂ. 8 લાખ કાપી લેવામાં આવતા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરીજનોને જે નર્મદાનું નીર આપવામાં આવે છે તે પાણી નર્મદા નિગમ મફતમાં નથી આપતું. પાલિકા પાસેથી તેનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર પાલિકાને નર્મદાનાં નીરના નિગમને રૂ. 36 કરોડ ભરવાના બાકી છે. આ નાણા પણ જો ગ્રાન્ટ માંથી કાપી લે તો પાલિકાનાં વિકાસ કામોને અસર થઈ શકે તેમ છે.