રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ વધારવા માટે શિક્ષણ વિભાગને અરજી સ્વીકારવાનો સમય મળતો નથી
ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે સરકાર ઓરમાયુ વર્તન કરતી હોવાના સંચાલક મંડળ દ્વારા આક્ષેપો કરાતા હોય છે. ત્યારે નવા શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિના વિતિ ગયા છતાં શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી વર્ગ વધારવાની અરજીઓ હજુ મંગાવી નથી. આથી શાળા સંચાલક મંડળે અસંતોષ વ્યક્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની નીતિના કારણે રાજ્યમાં અનેક ગ્રાન્ટેડ સ્કૂલોને છેલ્લા એક દાયકામાં તાળાં વાગી ગયા છે. હજુ પણ શિક્ષણ વિભાગની નીતિના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોને અસર થઈ રહી છે. સ્કૂલો શરૂ થયાના બે મહિના બાદ પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારા કરવા અરજી કરવાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જેથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વિભાગ જ ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારવા તૈયાર નથી.
રાજ્ય શાળા સંચાલક મંડળે કમિશનર ઓફ સ્કૂલ નિયામકને પત્ર લખીને જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2022-23 ના પ્રથમ સત્રનો લગભગ અંત આવી ગયો છે. થોડા દિવસ બાદ દિવાળીની રજાઓ પણ શરૂ થશે. સ્કૂલો શરૂ થયે 2 મહિનાનો સમય થઈ ગયો છતાં હજુ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ના પ્રથમ કે ક્રમિક ગ્રાન્ટેડ વર્ગો વધારવા માટે અરજી કરવાની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ માસ પ્રમોશન આપવામાં આવ્યું જેના કારણે 100 ટકા પરિણામ આવ્યું હતું. વર્ગ વધારો કરવા 3 વર્ષના બોર્ડના પરિણામ 50 ટકાથી વધુની જોગવાઈ પણ છે.અગાઉ 6 જુલાઈએ પણ રજૂઆત કરવામાં આવી હતી.ત્યાર બાદ પણ શિક્ષણ વિભાગે અનેક પરિપત્ર કર્યા છે. ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગ વધારા માટેની જાહેરાતનો પરિપત્ર નહીં કરીને શિક્ષણ વિભાગ રજૂઆતને લઈ આંખ આડા કાન કરી રહ્યો છે.સરકારના સમર્થનનો પત્ર શિક્ષણ વિભાગની કચેરીને ના મળે ત્યાં સુધી નિર્ણય નહીં કરાય. કચેરીમાં થયેલા વિલંબનો ભોગ ગુજરાતના ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓ બની રહ્યા છે.