Site icon Revoi.in

રાજકોટમાં 11.50 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ બિલ્ડિંગના ઉદ્ધાટન માટે સરકારને સમય મળતો નથી

Social Share

રાજકોટઃ શહેરની  સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલ લોકાર્પણના વાંકે બંધ પડી છે. 340 ખેલાડીઓ રોકાઈ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જોકે નવી સરકાર આવતા હવે આ નવનિર્મિત બિલ્ડિંગ ઉદઘાટનના વાંકે ધૂળ ખાઇ રહી છે. ત્યારે આ અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવું ખૂબ જ આવશ્યક છે. પણ નવી સરકારને ઉદ્ધાટન માટે મૂહુર્ત મળતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં સ્પોર્ટ્સ બિલ્ડિંગ 5 મહિના પહેલા જ તૈયાર થઈ ગયું હતું. 29 ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ ડેના દિવસે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. પરંતુ વહીવટી કારણોથી લોકાર્પણ ન થયું. ત્યારપછી સરકાર બદલાઈ જતાં આજ સુધી હોસ્ટેલના બિલ્ડિંગનું લોકાર્પણ થયું નથી. રમત-ગમતના ખેલાડીઓ માટેની સૌથી શ્રેષ્ઠ મોસમ એટલે શિયાળો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ શારીરિક કવાયતોની પ્રેક્ટિસ લોકો કરવા લાગે છે. દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો રેસકોર્સના મેદાનમાં ઉમટી પડતા હોય છે. રમત-ગમતની જુદી જુદી સ્પર્ધા પણ યોજવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખેલાડીઓ આવતા હોય છે. પોલીસ કમિશનર બંગલોની બાજુમાં પાંચ માળની આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. 340 ખેલાડીઓ રહી શકે તેવી આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલનું બિલ્ડિંગ 11 કરોડ 50 લાખના ખર્ચે ઉભું કરવામાં આવ્યું હોવા છતા આજ દિવસ સુધી ઉદઘાટક પાસે સમયનો અભાવ હોવાથી લોકાર્પણ અટકી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં જુદા જુદા 12 જિલ્લામાં ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની વિધિવત પ્રેક્ટિસ મળી રહે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ હોસ્ટેલનું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. રાજકોટની સૌપ્રથમ સ્પોર્ટ્સ હોસ્ટેલ કલેક્ટર કચેરીની નજીક રૂડા બિલ્ડિંગની સામે બનાવવામાં આવી છે. 11 કરોડ 50 લાખનાં ખર્ચે નવનિર્મિત ઈમારત ઉપર હવે ધૂળ જામતી જાય છે. આ હોસ્ટેલમાં ખેલાડીઓને રહેવા માટે 340 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને હોસ્ટેલમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. શિયાળાના સમયગાળાને એક મહિનો પુરો થઈ ગયો છે. પરંતુ સરકારી હોસ્ટેલનું આ બિલ્ડિંગ ક્યારે શરૂ થશે? તે નક્કી નથી. પરંતુ બદલાયેલી સરકારને લીધે બંધ આધુનિક ઈમારત હવે લોકાર્પણની કાગડોળે રાહ જોઈ રહ્યું છે.