માં વાત્સલ્ય કાર્ડની મુદતમાં સરકારે ત્રણ મહિનાનો વધારો કર્યો
ગાંધીનગર: રાજયમાં વધતા જતા કોરોનાના કેસના પગલે સરકાર માં કાર્ડની મુદત ત્રણ મહિના વધારી છે. નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે જે નાગરિકોના માં કાર્ડની મુદત 31 માર્ચ 2021 ના રોજ પુરી થઈ રહી છે. તેવા કાર્ડ ધારક નાગરિકો માટે આ મુદત ત્રણ મહિના વધારીને 30 જૂન 2021 સુધી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં વધતા જતા કોરોના કેસના પગલે આરોગ્ય વિભાગના મંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા માં કાર્ડની મુદતમાં પણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા બીજો નિર્ણય પણ કરાયો છે જેમાં આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય.