અમદાવાદઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન- જેટકોની વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે આ પરીક્ષા રદ્દ કરવાની નોબત આવી પડી હતી. આથી ઉમેદવારોએ ભારે વિરોધ સાથે લડત શરૂ કરી છે અને કોંગ્રેસ દ્વારા પણ લડતને ટેકો આપવામાં આવ્યો છે. દરમિયાન જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. વિદ્યુત સહાયકની ભરતી માટે તા. 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. અલગ અલગ 6 જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતીની પરીક્ષા ગેરરીતિના મુદ્દે રદ કરાતા ઉમેદવારોમાં ભારે વિરોધ ઊભો થયો હતો. વડોદરામાં ઉમેદવારોએ મોરચો માંડ્યો હતો. અને કોંગ્રેસ પણ લડતને ટેકો આપ્યો હતો. દરમિયાન જેટકો દ્વારા ભરતી માટેની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવાશે, જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે.
કોંગ્રેસની યાદીમાં જણાવાયુ હતું. કે, 1200થી વધુ યુવાનોએ વિદ્યુત સહાયક GETCO એટલે કે વીજળી બોર્ડની પોલ ટેસ્ટ, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ સહિતના તમામ વિષયો પાસ કર્યા છતાં પણ તેઓને એપોઇન્ટમેન્ટ પત્ર આપવાની જગ્યા પર આખી અને આખી પરીક્ષા ફરી વખત લેવાનો નિર્ણય કર્યો, જેથી તમામ 1200થી વધુ યુવાનો ફરી એક વાર બેરોજગારી તરફ ધકેલાયા છે. જે માટે જવાબદાર GETCO ના અધિકારી અને ગુજરાત સરકાર પોતે છે.
વડોદરા GETCO ની ઓફીસ ખાતે આંદોલન પર બેઠેલા અને ગુજરાતના દરેક જિલ્લામાંથી આવેલા યુવાનોની વાતને વાચા આપવા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, પ્રદેશ પ્રવકતા નિશાંત રાવલ, હાર્દિક અમોડિયા, અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, પ્રતાપસિંહ ચાવડા, મહેશ સોલંકી સ્થળ પર પહોંચી યુવા વર્ગ સાથે ધરણા પર બેઠા હતા, ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ હંમેશા ગુજરાતના યુવાનોના હક માટે લડાઈ આપતી રહી છે અને એક જવાબદાર વિરોધપક્ષ તરીકે હંમેશા મહિલાઓ અને યુવાનોની મુશ્કેલીઓમાં સાથ નિભાવ્યો છે.