Site icon Revoi.in

પાવાગઢમાં હવે મંદિર સુધી રોપ-વે લંબાવવાની સરકારે આપી મંજુરી, દર્શનાર્થીઓને મળશે લાભ

Social Share

વડોદરા : પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. અને ડુંગર પર દુધિયા તળાવ સુધી રોપ-વેની સુવિધા છે. અને ત્યાંથી પગથિયા ચડીને નિજ મંદિર સુધી જવું પડે છે. આથી બિમાર કે અશક્ત, વૃદ્ધ યાત્રિકોને મુશ્કેલી પડતી હતી. હવે યાત્રિકોની મુશ્કેલી મહિનાઓમાં દુર થઈ જશે. કારણે કે, સરકારે નીજ મંદિર સુધી રોપ-વેને લંબાવવાની મંજુરી આપી દીધી છે.

પાવાગઢમાં  મહાકાળી માતાજીના મંદિર સુધી રોપ-વેમાં જઈ શકાશે. માતાજીના મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેને લંબાવવાની મંજૂરી મળી છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સ્થાનિક સ્તરેથી મંજૂરની રાહ જોવાઈ રહી છે. હાલ પાવાગઢમાં માત્ર દુધિયા તળાવ સુધી રોપ-વે જાય છે. રોપ-વે બાદ મંદિર સુધી પહોંચવા માટે 449 પગથિયા ચડવા પડે છે. તેથી બીમાર, અશક્ત, વૃદ્ધોને નિજ મંદિર સુધી દર્શન કરવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો આવા લોકો પણ સરળતાથી દર્શન કરી શકશે.

જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ પાવાગઢ મહાકાળી મંદિર સુધી રોપ-વેને લંબાવવાની મંજૂરી મળી ગઈ છે.  કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરીટીએ પાવાગઢમાં રોપ-વેને છેક મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. આ પછી એક જોઇન્ટ મોનીટરીંગ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ સ્થળ તપાસ તાજેતરમા કરી લીધી છે અને રોપ વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. હવે દુધીયા તળાવથી આગળ છેક મંદિર સુધી રોપ-વે જાય તે માટે બે તબક્કામાં આગામી બે મહિનામાં રૂ. 100 કરોડના રોકાણ સાથે કામગીરી હાથ ધરાશે, મંદિરની બાજુમાં નવુ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ મંદિર સુધી રોપ-વે રાઈડ કરી શકશે. આ નવી રાઈડની એક કેબિનમાં 8 વ્યક્તિ બેસી શકશે. આવી 8 કેબિન મૂકાશે.