Site icon Revoi.in

રાજકોટ શહેરમાં રોડ-રસ્તાઓ પરના ધાર્મિક દબાણો દુર કરવા RMCને સરકારે આપી સુચના

Social Share

રાજકોટઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર ગેરકાયદે ધાર્મિક દબાણો ખડકાયેલા છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ પણ દબાણો કરેલા છે. તેથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  ધાર્મિક સ્થાનો પર નોટિસ ચોંટાડીને ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ તો 10-15  ધાર્મિક સ્થળો પર નોટિસ લગાવાઈ છે પણ શહેરમાંથી 2108 બાંધકામો દૂર કરવાના છે, તેથી મ્યુનિ.  દ્વારા મેગા ઓપરેશન કરાશે. કહેવાય છે. કે, સરકારે પણ રોડ પરના અડચણરૂપ હોય એવા દબાણો હટાવવાની મ્યુનિ.ને સુચના આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં રોડ-રસ્તા અને જાહેર સ્થળોએ જે પણ ધાર્મિક બાંધકામો મંજૂરી વગરના છે, તે ધાર્મિક દબાણોને દૂર કરવા માટેનો કેસ સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યો છે. આ સંદર્ભે 14 વર્ષ પહેલાં રાજકોટ સહિત દરેક મ્યુનિ.કોર્પોરેશનમાં જેટલા પણ ધાર્મિક દબાણો છે તેનો સરવે કરીને તેની યાદી કોર્ટમાં આપી હતી. આ કેસ ચાલી જતા હવે સુપ્રીમમાંથી નિર્દેશ આવ્યો છે કે આ તમામ દબાણો દૂર કરીને તે કામગીરી કર્યાનું સોગંદનામું કોર્ટમાં આપવાનું રહેશે. કોર્ટના આદેશને પગલે તાત્કાલિક રાજ્યના મુખ્ય સચિવે દરેક મ્યુનિ.ને સૂચના આપતા રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ ઈસ્ટ ઝોનમાં કાર્યવાહી શરૂ કરાઈ છે અને મંગળવારથી વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં પણ નોટિસની કામગીરી શરૂ થશે. પ્રથમ તબક્કામાં વોર્ડ દીઠ 10-10 બાંધકામને નોટિસ અપાશે આ રીતે 180 બાંધકામ હટાવાશે અને ત્યારબાદ બીજા બાંધકામોને નોટિસ અપાશે.

સૂત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરમાં કેટલા ધાર્મિક બાંધકામો ગેરકાયદે છે, તેનું લિસ્ટ 2011ની આસપાસ બન્યું હતું. ત્યારબાદ નવા પણ બન્યાની શક્યતા છે. પણ જૂના લિસ્ટ મુજબ ગણીએ તો શહેરમાં 2108 ધાર્મિક દબાણ છે. આ તમામ દબાણ દૂર કરીને મ્યુનિ.કોર્પોરેશને એફિડેવિટ આપવી પડશે, સરકારે આ જવાબ રજૂ કરવાના હોવાથી ચીફ સેક્રેટરી આ મામલે ખૂબ જ ગંભીર છે.

આરએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોર્ટમાં જે યાદી મોકલાવી હતી તે વોર્ડ મુજબ હતી જોકે ત્યારબાદ વોર્ડના સીમાંકન બદલાયા હતા. આ કારણે હવે વોર્ડ વાઈઝ કામગીરી એ લિસ્ટ મુજબ થઈ શકે નહિ જેથી દરેક ઝોનના બે એટીપીઓને ધાર્મિક દબાણના લોકેશનને આધારે વોર્ડ નક્કી કરવા અને ઝોન નક્કી કરીને નોટિસ આપવાની છે. બીજી તરફ ટી.પી. શાખામાં પણ પરિવર્તન આવતા હવે આ દબાણ દૂર કરવાની જવાબદારી સિટી એન્જિનિયર પર આવી છે તેથી 3 સિટી એન્જિનિયર અને 6 એટીપીઓ આ સમગ્ર કામગીરીનું સંચાલન કરી રહ્યા છે.