Site icon Revoi.in

રાજ્યમાં પીવાનું પાણી નાગરિકાને મળી રહે તે માટે સરકારે કર્યું આયોજન, હેલ્પ નંબર જાહેર કરાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં એપ્રિલના પ્રારંભથી જ તાપમાનમાં વધારો થયો જાય છે. અને હાલ તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે. સાથે રાજ્યમાં અનેક ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકાર પણ ચિંતિત બની છે. અને કેબીનેટની બેઠકમાં પણ પીવાના પાણીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સરકારે પીવાના પાણી માટે હેલ્પ નંબર જાહેર કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,.રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાંના પાણીની કોઈ તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવા સંબંધિતોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સાથે સાથે પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે. ટેન્કરો દ્વારા પાણી આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું છે કે હાલ કચ્છ જિલ્લામાં 36 ટેન્કરો દ્વારા 114 ફેરા થકી આશરે 21 ગામોમાં પશુઓ  માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ઓવરબ્રિજનું કામ રૂપિયા 108 કરોડના ખર્ચે હાથ ધરાશે. આ બ્રિજ અંગે વિવિધ જમીન સંપાદન સહિતના ટેકનિકલ પ્રશ્નો હતા તે હલ થયા છે એટલે હવે આ કામ સત્વરે શરૂ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. જેના પરિણામે ભૂજ અને ભચાઉના નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ જ રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-2માં રૂપિયા 651 કરોડના ખર્ચે કામ શરૂ થનાર છે.  ફેઝ-1ના કામ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસેથી રેકોર્ડ બ્રેક ચણાની ખરીદી રેકોર્ડ બ્રેક ભાવે થઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂા.5230 એટલે કે પ્રતિ મણ રૂા.1046 ના ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં 187  કેન્દ્રો જ્યારે અત્યારે જરૂરિયાત મુજબ 117  કેન્દ્રો પરથી ચણાની ખરીદી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે  6.65 લાખ મેટ્રિકટનથી વધુ ચણાની ટેકાના ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાં  5.50  થી 6 લાખ ટન ચણા ઉત્પાદનનો અંદાજ છે. જરૂરિયાત પડશે તો ગુજકોમાસોલને વધુ ચણાની ખરીદી કરવા માટે પણ સૂચના અપાશે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારમાં 56 જેટલી સેવાઓ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી પ્રજાને ઘેર બેઠા ઉપલબ્ધ  કરાવવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ પ્રથમ તબક્કામાં કુલ 4,99,979 અરજીઓ આવી હતી જેમાંથી 4,99,914 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.. રાજ્યમાં જામનગર, પોરબંદર, નર્મદા અને દાહોદ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના કાર્યક્રમ હોવાથી સેવાસેતુ સેતુ કાર્યક્રમ યોજી શકાયા નથી જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.