કૃષિ કાયદાના વિરોધ દરમિયાન ખેડૂતોના મોત અંગે સરકાર પાસે નથી કોઈ રેકોર્ડઃ કૃષિ મંત્રી
દિલ્હીઃ રાજધાની દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. તેમ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા મૃતક ખેડૂતોના પરિવારને આર્થિક વળતર આપવાના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે ખેડૂતોના મૃત્યુનો કોઈ રેકોર્ડ ન હોવાથી આર્થિક સહાય આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
ખેડૂત નેતાઓ લાંબા સમયથી દાવો કર્યો કરી રહ્યાં છે કે, સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પૈકી અત્યાર સુધીમાં 700થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મૃત્યુ મુખ્યત્વે હવામાનની અસર, ગંદકીના કારણે થતી બીમારીના કારણે થયાં છે. તેમજ કેટલાક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી હતી. દરમિયાન, આંદોલનકારી ખેડૂતો તેમની માંગ પર અડગ છે. યુનાઇટેડ કિસાન મોરચાએ માંગણી કરી છે કે સરકાર બાકીના પડતર પ્રશ્નો પર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરે.
ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર થવા છતાં, યુનાઇટેડ કિસાન મોરચાએ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર એમએસપીને કાયદેસર બનાવવાની તેમની માંગને સ્વીકારે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે વિરોધ દરમિયાન નોંધાયેલા પોલીસ કેસ પણ પાછા ખેંચવામાં આવે અને આ સમયગાળા દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર મળવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાનું બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવ્યું છે. હવે આ અંગે રાષ્ટ્રપતિ મંજૂર આપશે.