ચેતવણીના મેસેજ બાબતે આઈફોન પાસે સરકારે માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે એપલને એક નોટિસ જારી કરીને ચેતવણી સંદેશ વિશે પૂછ્યું હતું. નોટિસમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ‘રાજ્ય પ્રાયોજિત હુમલાના કયા પુરાવા છે‘. હકીકતમાં, વિપક્ષી નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર મામલા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો.
રિપોર્ટ અનુસાર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્રેટરી એસ કૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે, CERT-In એ Apple દ્વારા તેમને મોકલવામાં આવેલા ચેતવણી સંદેશ અંગે વિપક્ષી સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, આ અંગે કંપનીને નોટિસ પણ મોકલવામાં આવી છે. આઈટી સેક્રેટરીએ આશા વ્યક્ત કરી કે Apple આ મુદ્દે CERT-Inની તપાસમાં સહકાર આપશે. ક્રિષ્નને વધુમાં કહ્યું કે, CERT-In એ તેની તપાસ શરૂ કરી દીધી છે. Apple આ તપાસમાં સહકાર આપશે.
ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ કમ્પ્યુટર સુરક્ષા સંબંધિત ઘટનાઓનો જવાબ આપવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે. જ્યારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્રેટરી એસ કૃષ્ણનને પૂછવામાં આવ્યું કે શું એપલને નોટિસ મોકલવામાં આવી છે? તો તેમણે હા માં જવાબ આપ્યો છે. આ મુદ્દો ત્યારે શરૂ થયો જ્યારે મંગળવારે કેટલાક વિપક્ષી નેતાઓએ દાવો કર્યો કે તેઓને તેમના iPhones પર ‘સરકાર પ્રાયોજિત હેકિંગ પ્રયાસ‘ વિશે Apple તરફથી ચેતવણી સંદેશ મળ્યો છે અને સરકાર કથિત હેકિંગ પ્રયાસ માટે જવાબદાર છે.