ગુજરાતમાં અમદાવાદ સહિત 6 જેટલા સ્માર્ટસિટી પાછળ સરકારે કર્યો રૂપિયા 3737 કરોડનો ખર્ચ
ગાંધીનગરઃ ગુજરાતમાં અમદાવાદ,સુરત અને રાજકોટ સહિત અડધો ડઝન સ્માર્ટસિટીના વિકાસ માટે રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગથી રૂપિયા 3737 કરોડનો ખર્ચ કર્યો છે. શહેરના રોડ-રસ્તાઓ, ફલાય ઓવરબ્રિજ, પાણી વિતરણ સહિતની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના તમામ રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને દાહોદ એમ 6 શહેરને સ્માર્ટ સિટી તરીકે તૈયાર કરવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન હિસ્સે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સિટી હેઠળ સુવિધા ઉભી કરવા માટે રૂ. 3737 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નક્કી કરેલા 6 સ્માર્ટ સિટીમાં કેટલાક કામ બાકી છે તો કેટલાક પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 2326.40 કરોડ અને રાજ્યસરકારે 1410.61 કરોડનો ખર્ચ કર્યો છે. એકંદરે રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી પાછળ વધુ ખર્ચ કર્યો છે. અમદાવાદમાં જે કામ પ્રગતિ હેઠળ છે,તેમાં પાણી વિતરણ વ્યવસ્થિત થાય તે માટે કેટલાક પોઇ્ન્ટ પર ફલો મિટર અ્ને પ્રેશર સેન્સરની સિસ્ટમ નાખવી, મલ્ટીલેવલ કાર પાર્કિંગ સાથે સ્માર્ટ કાર પાર્કિંગ સહિત કુલ 638.63 કરોડના કામ પ્રગતિમાં છે. જ્યારે ગાંધીનગરમાં રોડ નંબર 6,7 અને જી રોડ પર સ્માર્ટ રોડ,રિસાઇકલ વોટર નેટવર્ક, 24 કલાક પાણી આપવાનું આયોજન, રોડ ફોર લેન કરવા, ગટર વ્યવસ્થાપનનું અપગ્રેડેશન મળીને કુલ 595.23 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. તેમજ રાજકોટમાં અટલ સરોવરનો વિકાસ,માળખાકીય સુવિધા સુદઢ કરવા સહિત 969.97 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. સુરત માટે ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, આઉટડોર ડિઝિટલ ડિસ્પ્લે બોર્ડ, સ્માર્ટ રોડ, સ્માર્ટ વોટર ઓડિટ પ્રોજેકટ,વોટર રિચાર્જિંગ સહિત 122.04 કરોડના કામ પ્રગતિ હેઠળ છે.