રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજકોટમાં પણ મેઘરાજા ઝાપટારૂપી વરસી રહ્યા છે. પણ પખવાડિયામાં જો પુરતો વરસાદ નહીં પડે તો શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી દહેશત હોવાથી શહેરના મ્યુ.કમિશનર દ્વારા આજી ડેમમાં સૌની યોજના હેઠળ એક માસ માટે નર્મદાના પાણીનો પુરવઠો ઠાલવવા માટે લખેલ પત્ર સામે સિંચાઇ વિભાગે એવો જવાબઆપ્યો છે કે, 2017થી સૌની યોજનાના પાણીના રૂપિયા આપ્યા નથી, અને 105 કરોડની ઉધરાણી કરી છે. ત્યારે પાણીના પ્રશ્ને ફરીવાર મ્યુનિ, અને સિંચાઈ વિભાગ સામસામે આવી ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના શહેરીજનોને પાણી માટે મ્યુનિ.કોર્પોરેશન અને સરકારના અન્ય વિભાગ વચ્ચે પત્ર યુધ્ધ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા મ્યુનિ.કમિશનરે આજી ડેમમાં પાણી આપવા માટે સરદાર સરોવર નિગમને લખેલા પત્ર સામે સરકારના અન્ય વિભાગ સિંચાઇ તંત્રએ મ્યુનિ. પાસે સૌની યોજનાના પાણીના બાકી 105.24 કરોડ રૂપિયા ચુકવવા માટે જુની ઉઘરાણી કાઢી છે.
રાજકોટ શહેરના મુખ્ય બે જળ આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના તથા નર્મદા પાઇપલાઇનથી પાણી અપાય છે. થોડા દિવસ પહેલા મ્યુનિ.કમિશનર અરોરાએ ગાંરાજ્ય સરકારમાં આજી ડેમમાં એક માસ ચાલે તેટલો જળ જથ્થો હોવાથી સૌની યોજના કે નર્મદા મારફતે આજી ડેમ ભરવા પત્ર લખ્યો હતો. નવા નીર મળવાની વાત તો દૂર રહી સિંચાઇ વિભાગ દ્વારા મ્યુનિ.ના પત્ર સામે ઉઘરાણીના પત્રનું યુધ્ધ ચાલુ કરાયું છે. સિંચાઇ વિભાગે મ્યુનિ.ને લખેલા પત્રમાં સૌની યોજનાના ફાળવાયેલા પાણી પેટેના લેણા 105.24 કરોડ રૂપિયા ચૂકવવા માટે કહેવાયું છે.
સિંચાઇ વિભાગ દ્વારા સરદાર સરોવર નિગમને પણ પત્ર લખાયો છે કે, 2017થી સૌની યોજનાનું પાણી આપવામાં આવે છે. પાંચ વર્ષ દરમિયાન એકપણ રૂપીયો મહાપાલિકા દ્રારા ચૂકવાયો નથી. તો હવે નવું પાણી આપવું કે કેમ ? તે માટેની મંજુરી મગાઇ છે. અત્યારે ચોમાસાના દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો જુની ઉઘરાણીને લઇને શહેરને પાણીની પણ ખેંચ આવે તો ના નહીં.