નવી દિલ્હીઃ સરકાર ખેડૂત આંદોલન અંગે વાતચીત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાવે ખેડૂતો સાથે ત્રીજી બેઠક યોજી હતી. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને શાંતિ સ્થાપવા સર્વસંમતિ દર્શાવવામાં આવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, ખૂબ જ સારા વાતાવરણમાં સકારાત્મક ચર્ચા થઈ છે અને 18 ફેબ્રુઆરીએ ખેડૂતો સાથે ફરીથી વાતચીત થશે. ઉલ્લેખનીય છે કે, 13 ફેૂબ્રુઆરીથી ખેડૂતોએ MSP ગેરંટી, લોન માફી સહિત અનેક માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
દરમિયાન ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે દાવો કર્યો છે કે આંદોલનમાં અત્યાર સુધીમાં 400થી વધુ ખેડૂતો ઘાયલ થયા છે.તેમણે કહ્યું કે અમારી વિરુદ્ધ પુરી તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમારા સોશિયલ મીડિયા હેન્ડલ બંધ થઈ રહ્યા છે. અમને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવી રહ્યા છે. અમારી 70 YouTube ચેનલો બંધ કરવામાં આવી છે. સરકાર અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે દિલ્હી જવાના અમારા નિર્ણય પર અડગ છીએ. ખેડૂત આગેવાને કહ્યું કે સરકાર ધાકધમકી આપીને ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે. અમે MSP પર કાયદો ઈચ્છીએ છીએ. જો સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો આંદોલન વધુ વધારશે. ટિકૈતે સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચે સાંઠગાંઠનો પણ આક્ષેપ કર્યો હતો.