ગાંધીનગરઃ રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર 23 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા હતા. જેમાં શિક્ષકોના પ્રશ્નોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, શાળાઓમાં તાકિદે આચાર્યોની ભરતી કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોના મંડળ દ્વારા અગાઉ શિક્ષણ વિભાગને અનેક વાર રજુઆતો અને આવેદનપત્ર આપવા છતાં પ્રશ્નો ઉકેલાયા નથી. આથી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોમાં નારાજગી ઊભી થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં રસ નહી હોય તેમ છેલ્લા ઘણાં સમયથી પ્રશ્નો વણઉકેલ્યા જ રહ્યા છે. જોકે વિધાનસભા ચૂંટણી પહેલાં ચલાવેલી લડતને પગલે પ્રશ્નોનો તાકિદે નિકાલના ઠાલા આશ્વાસનનો આપવામાં આવ્યા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણી પછી પણ પ્રશ્નો ઉકેલવા માટે બેઠક બોલવવામાં નહી આવતા શિક્ષકોમાં માંગ ઉઠવા પામી હતી. જેને પગલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત માધ્યમિક સંવર્ગ દ્વારા શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે તાજેતરમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ શિક્ષણમંત્રીની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષકોના અલગ અલગ સંગઠનો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરીને તાકિદે ઉકેલ લાવવાની માંગણી કરી હતી. શિક્ષકોના પ્રશ્નોમાં એનપીએસમાં 10 ટકા કપાતની સામે સરકારે 14 ટકા ફાળો જમાવ કરાવવો, એનપીએસવાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે 300 રજાઓનું રોકડ રૂપાંતરનો લાભ આપવો. સાતમા પગારપંચના બાકીના હપ્તા સત્વરે રોકડમાં આપવા. શાળાઓમાં મંજુર મહેકમ મુજબ ખાલી જગ્યાઓ સત્વરે ભરતી કરવી. પુન: નિયુક્તિવાળા શિક્ષણ સહાયકોની પુન:નિયુક્તિ પહેલાંની નોકરી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણીને પુરા પગારમાં સમાવીને નિયમિત કરવા સહિતના પ્રશ્નો ઉકેલાતા નથી.
આ ઉપરાંત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ગ-3 અને 4ની ભરતી શરૂ કરવી. પાંચ વર્ષની ફિક્સ પગારી નોકરી સમયમાં નહીં ભોગવેલી મેડિકલ રજાઓને સર્વિસ બુકમાં જમા કરાવવી. શિક્ષણ સહાયકોને નોકરીના પ્રથમ દિવસથી જ જૂથવીમામાં સમાવી લેવા સહિતની માંગણીઓના ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત માધ્યમિક સંવર્ગ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવા માગ કરી છે. (file photo)