અબુ સાલેમ પ્રત્યાર્પણ સમયે પોર્ટુગીઝને આપવામાં આવેલી બાંયધરીનું સરકાર પાલન કરવા બંધાયેલી છેઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ ભારત સરકાર અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ પર પોર્ટુગીઝ સત્તાને આપવામાં આવેલી બાંયધરીનું પાલન કરવા માટે બંધાયેલી છે અને યોગ્ય સમયે તેનું પાલન કરવામાં આવશે. તેમ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. ભારત સરકારે 17 ડિસેમ્બર 2002ના રોજ પોર્ટુગલ સરકારને બાંયધરી આપી હતી કે, સાલેમને મૃત્યુદંડ તેમજ 25 વર્ષથી વધુની જેલની સજા આપવામાં આવશે નહીં. સાલેમ મુંબઈ બોમ્બ વિસ્ફોટ અને અન્ય કેસમાં આરોપી છે. તેને એક કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લા મારફતે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 17 ડિસેમ્બર, 2002ના રોજ પોર્ટુગલ ઓથોરિટીને સાલેમના પ્રત્યાર્પણ સમયે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી બાંયધરી, યોગ્ય સમયે અનુસરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, આપણા દેશમાં ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને તે કાયદાના આધારે નિર્ણયો લે છે. વહીવટી તંત્ર દ્વારા જે પણ સ્ટેન્ડ લેવામાં આવે તે કોર્ટના નિર્ણયમાં અડચણ બની શકે નહીં. સાલેમની 25 વર્ષની સજા 10 નવેમ્બર, 2030ના રોજ પૂરી થાય છે. તે પહેલા સાલેમ અંડરટેકિંગની વાત કરીને રાહતનો દાવો કરી શકે નહીં. સાલેમ દ્વારા કરવામાં આવી રહેલી દલીલ અકાળ છે. તેની આશંકા કલ્પના પર આધારિત છે.
હાલના કેસમાં જે બાબતની અપીલ કરવામાં આવી છે તે તે સમયગાળા દરમિયાન હાથ ધરી શકાશે નહીં. જ્યારે સાલેમની સજા 25 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ મામલો સામે આવશે. તે પહેલા નથી. અબુ સાલેમના પ્રત્યાર્પણ વખતે તત્કાલીન ડેપ્યુટી પીએમ એલ કે અડવાણી દ્વારા આપવામાં આવેલી બાંયધરી ભારત સરકાર સ્વીકારવા માટે બંધાયેલી છે. બાંયધરી હેઠળ, એવું કહેવામાં આવ્યું છે કે સાલેમને 25 વર્ષથી વધુની સજા ન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેન્દ્ર સરકારના ગૃહ સચિવે એફિડેવિટ દાખલ કરી છે. હકીકતમાં, ડિસેમ્બર 2002માં, ભારત સરકારે પ્રત્યાર્પણ પ્રક્રિયા દરમિયાન પોર્ટુગીઝ સરકારને કહ્યું હતું કે સાલેમને 25 વર્ષથી વધુની સજા કરવામાં આવશે નહીં.