Site icon Revoi.in

મુખ્યમંત્રી સ્વાલંબન યોજના અંતર્ગત આવક મર્યાદા 8 લાખની કરવા સરકારની વિચારણા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારે લોકહિતના નિર્ણય લઈ રહી છે. બુધવારે સરકારે સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. હવે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત આવક મર્યાદા 6 લાખથી વધારીને 8 લાખ રૂપિયા કરવા અંગે ભૂપેન્દ્ર પટેલની સરકાર વિચારવિમર્શ કરી રહી છે. MYSY યોજનાનો લાભ જનરલ કેટેગરી (જે લોકો એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ નથી મેળવતા)ના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળે છે ત્યારે રાજ્ય સરકારનું આ કદમ આ લોકોને ધ્યાનમાં રાખીને જ છે.

સૂત્રોના જણાવ્યા મુબજ  2015-16માં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવી હતી. અનામતની માગ સાથે પાટીદારોએ ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું ત્યારે તેને શાંત પાડવા માટે સરકારે આ યોજના લાગુ કરી હતી. આ યોજનાનો લાભ કુલ 2,76,172 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો. અને તેમને 1,153 કરોડ રૂપિયા ચૂકવાયા હતો. 2019-20માં 63,546 વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો. અને તેમને કુલ 281 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. 2020-21માં જનરલ કેટેગરીના 60,049 વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો અને તેમને 278 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી હતો.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રાજ્ય સરકાર સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ગ્રેજ્યુએટ ડિગ્રી તેમજ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આર્ટ્સ, કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને કોમ્પ્યુટર એપ્લિકેશનના કોર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી ભરપાઈ કરી આપે છે. નવી ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના પછી નવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જાણીતી યોજનાઓમાં સુધારા કેવી રીત કરી શકાય તેના સૂચનો માગ્યા હતા. મીટિંગ દરમિયાન માહિતી આપવામાં આવી કે, જો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની આવક મર્યાદા વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવે તો મધ્યમ વર્ગને લાભ થશે.