ગાંધીનગરઃ ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અધતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે. આ સેન્ટર ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆરઆર) વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડેટા સેન્ટર માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે, જેમાં ટિવટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ–કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય પણે દેશની અંદર વ્યકિતઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત પણ ડેટા સેન્ટર પોલિસી બનાવશે. આ પોલિસીનો ડ્રાટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મૂડીરોકાણ અને રોજગારીના અવસર વગેરેનો સમાવેશ કરવામાં આવશે. સરકારમાં વ્યાપક ચર્ચાના અંતે આવું ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવાનું નક્કી કયુ છે. ડેટા સેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો પણ અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવું ડેટા સેન્ટર હાલ તામિલનાડુના ચેન્નાઇમાં બનાવવામાં આવેલું છે. હવે આ દિશામાં ઉત્તરપ્રદેશની સરકાર પણ કામ કરી રહી છે. યોગી આદિત્યનાથની સરકારે ડેટા સેન્ટર પોલિસી હેઠળ મૂડીરોકાણનું પણ લક્ષ્ય રાખ્યું છે. વાયબ્રન્ટ સમિટ પહેલાં જો ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાઇ જાય તો આવનારા ઉધોગો અને મૂડીરોકાણકારોને ફાયદો કરાવશે, એ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરાશે અને આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે. ડેટા સેન્ટર એ એક નેટવર્ક સાથ જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે જે મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટસઅપ, ઈંસ્ટાગ્રામ, યૂટુબ અને જીમેઇલ જેવા સાધનોના કરોડો ઉપયોગકર્તાઓ છે. એટલું જ નહીં ઇ–કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો વપરાશકર્તા છે. આ તમામ ડેટા આ સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે.
સચિવાલયના સૂત્રોએ ઉમેર્યું હતું કે યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. કલાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાયમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉધોગોને પણ સરળતા મળી રહેશે (file photo)