ગાંધીનગર : ગુજરાત ભાજપમાં શિસ્તને કારણે અસંતોષ હોય તો પણ કોઈ મંત્રી કે પક્ષના ધારાસભ્ય સરકાર સામે ભાગ્યે જ બળાપો ઠાલવતા હોય છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ માછીમારોના પ્રશ્ને સરકાર સામે જ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું જ નથી.
ગુજરાતના માછીમારોની સમસ્યા અને તેમને સહાય મુદ્દે ગુજરાત સરકારના જ મંત્રીએ સરકારની કામગીરી પર સવાલો કર્યા છે. કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી. માછીમારોની તકલીફ કોઇ જોતું નથી. પેકેજ આપ્યું છે પણ અમલવારી ક્યાંય કરવામાં આવતી નથી. નેતાઓ માછીમારોની ચિંતા અને દર્દ સમજતા નથી. રાજુલા સહિતના દરિયાઈ વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ અને માછીમારોની સમસ્યાઓ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, માછીમારોના પ્રશ્નો ઉકેલવામાં સરકારને કોઈ રસ હોય તેવું લાગતું નથી. માછીમારી કરતા દરિયાકાંઠા વિસ્તારના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. કાંઠા વિસ્તારોમાં જઈને પૂછો તમને હકીકત
ખબર પડશે. ગરીબોની દશા જુઓ. ખાવાના ય વાંધા છે. સરકાર બધી વાતો જ કરે છે. જેટલુ પહોચવુ જોઈએ તેટલુ પહોંચ્યુ નથી. સરકારે માછીમારો માટે લિમિટેડ રૂપિયા જ જાહેર કર્યાં છે. સરકાર જે જોરથી કરવુ જોઈએ તે થતુ નથી. દરિયા કાંઠે અધિકારીઓને મોકલીને સર્વે કરાવીને પ્રયત્ન કરવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, મંત્રી જવાહર ચાવડા મારું બધુ માને છે. તેઓ પોતે પણ લાચાર છે. પણ બધુ સરકાર પર નિર્ભર છે. મુખ્યમંત્રી હવે શુ કરે એ જોવાનું છે. મુખ્યમંત્રી પોતે કહે છે કે તમારો સમાજ ગરીબ છે, એ હુ સમજુ છું. અનેક નેતાઓને દરિયાકાંઠાની સમજણ નથી. માછીમારો દરિયામાં બાર-પંદર દિવસ જાય છે, પણ વિલાયેલા મોઢે પાછા ફરે છે. આ પરિસ્થિતિ જેણે જોઈ છે તેને ખબર છે. હું પોતે આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું. વાપીથી લઈને પોરબંદર સુધીના દરિયા કાંઠે કોળી, ખારવા અને મુસ્લિમ સમાજ વધુ છે. કોળી સમાજ થકી હું આગળ આવ્યો છું, તે સમાજના થકી હું મંત્રી બન્યો છું. કોળી સમાજની મુશ્કેલીઓ દૂર નથી થઈ રહી તે મુદ્દે તેમણે કહ્યું કે, કુંવરજીભાઈ કોળી સમાજના હોવા છતા તેમને દરિયાકાંઠાનો બહુ અનુભવ નથી. તેમણે એ જીવન જોયું નથી. તેઓ રાજકોટની બાજુના રહેવાસી છે. તેથી તેઓ પણ બનતા પ્રયાસ કરે છે.