સરકાર લોકડાઉન કરવાના મુડમાં નથી, બીજી તરફ જનતાનો સ્વૈચ્છિક લોકડાઉનનો મીજાજ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000ને વટાવી રહ્યા છે. સત્તાધિશો આ વખતે લોકડાઉન કરવાના મુડમાં નથી. બીજીબાજુ લોકોમાં કોરોનાના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. ત્યારે હવે લોકો સ્વૈચ્છાએ જ લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. હાલમાં ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાય મોટા ભાગના વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતનાં ચાર મોટાં શહેરોની સાથે નાના તાલુકાઓનાં ગામડાંમાં પણ જનતા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદી દેવામાં આવી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં બપોર બાદ મોટા ભાગનો વિસ્તાર સૂમસામ થઈ જાય છે, ત્યારે પાટણ, વલસાડ, આણંદ અરવલ્લી જેવા જિલ્લાઓમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.
આ જિલ્લાઓનું જોઈને અન્ય જિલ્લાના વેપારીઓ પણ પોતાના વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાની તૈયારીમાં છે. કોરોનાનો બીજો વેવ ખૂબ જ ઘાતકી સાબિત થઈ રહ્યો છે. આ વેવમાં જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તેને સૌથી વધુ શ્વાસની તકલીફ ઊભી થાય છે તેમજ ફેફસાંમાં સૌથી વધુ નુકસાન થાય છે.
બીજી તરફ, રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે, આવામાં સારવારની અછતને કારણે અનેક લોકો રોજ મૃત્યુ પામી રહ્યા છે. કોરોનાની ગંભીર ચેનને તોડવા માટે જનતા દ્વારા અનેકવાર સરકારને લોકડાઉન કરવાની માગ થઈ છે, પરંતુ કોઇ નિર્ણય ન લેવાતાં હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ અગ્રેસર થયા છે.