- દેશને કોરોનાથી ખતરો
- સરકારે આપી ચેતવણી
- બ્રિટન જેવી સ્થિતિ થાય તે પહેલા સતર્ક થાવ
દિલ્હી:કોરોનાવાયરસને લઈને સરકાર દ્વારા ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે,લોકો સાવધાની નહીં રાખે અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે,ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપે વધી શકે છે.
સરકારે લોકોને બિન આવશ્યક પ્રવાસ ટાળવો જોઈએ તેમજ નવા વર્ષની ઊજવણીઓ અને મેળાવડાઓ ટાળવા જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે. ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં ઓમિક્રોનના ૨૮ કેસ નોંધાતા કોરોનાના નવા વેરિઅન્ટના કુલ કેસ ૧૧૫ થયા છે.
નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે કહ્યું કે, ભારતે સાવધ રહેવાની જરૂર છે. બ્રિટનમાં દૈનિક 90 હજાર જ્યારે ફ્રાન્સમાં 65 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. તેમાં મોટાભાગના કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે, પરંતુ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. યુરોપની સ્થિતિ અને વસતીને ધ્યાનમાં લઈએ તો ભારતની વસતીની દૃષ્ટીથી જોઈએ તો દેશમાં દૈનિક 13થી 14 લાખ કેસ નોંધાઈ શકે છે. ભારતમાં કોરોનાની બીજી લહેર સમયે દૈનિક ચાર લાખથી વધુ કેસ નોંધાયા હતા.