ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર સુધી સી-પ્લેનની સેવા ઓશરૂ કરવામાં આવી હતી, જોકે વારેવાર સી-પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવું પડતું હોવાથી સી-પ્લેન સેવા અનિયમિત બનતા તેનું બાળમરણ થયું હતું હવે સરકારે ફરીવાર સી-પ્લેન માટે ટેન્ડર જારી કર્યા છે. કેન્દ્ર દ્વારા સ્ટેટ એવિએશન વિભાગને સી-પ્લેન પ્રોજેક્ટ સોંપાયા બાદ બહાર પાડેલાં ટેન્ડરમાં રાજ્યની બે અને મુંબઈની એક કંપનીઓ ભાગ લઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. સી-પ્લેન સર્વિસની ત્રણ વર્ષની કામગીરી માટે અનુભવી કંપનીને પ્રાયોરિટી આપવામાં આવશે જેથી સી-પ્લેન સર્વિસ જલ્દીથી પુનઃ શરૂ શકાય એમ ઍરપોર્ટના સૂત્રોએ જણાવ્યુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ‘ઉડાન’સેવા અંતર્ગત રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓક્ટોબર 2020માં સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં 19 પેસેન્જરની બેઠક સાથેના પ્લેનની દૈનિક 4 ફ્લાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સી-પ્લેન સેવા શરૂ થયા બાદ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે રીપેરીંગ માટે માલદીવ મોકલ્યું હતું. ત્યારથી જ સી-પ્લેન સેવા પુનઃ શરૂ થવા અંગે શંકા-કુશંકા સેવાઈ રહી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સી-પ્લેન સેવાના ઓપરેટર સ્પાઈસ જેટ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં છેવટે આ સેવા રાજ્ય સરકારને સોંપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સી-પ્લેન સેવાની કામગીરી રાજ્યને સોંપાયા બાદ આ સેવા ઝડપથી પુનઃ લાંબા સમય માટે શરૂ કરવાનો રાજ્ય સરકારનો આશય છે. આથી સી-પ્લેન સેવા માટે અનુભવી અને સક્ષમ એવિએશન કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, હાલમાં સી-પ્લેન સેવાની સંચાલન કામગીરી માટે ત્રણ કંપનીએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો છે. જેમાં મુંબઈની મેર એર, તથા સુરતની વેન્ચુરા સહિત એક અન્ય સ્થાનિક એવિએશન કંપનીએ સી-પ્લેન સેવા માટે ટેન્ડર ભર્યા છે. પ્રાથમિક ધોરણે આ ત્રણેય કંપનીઓ પાસે એરક્રાફ્ટ ફ્લાઈંગ અને મેન્ટેનન્સનો પૂરતો અનુભવ છે. વળી, આ કામગીરી આગામી ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. અલબત્ત આ ટેન્ડરમાં ભાગ લેવાની 11 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. જો સોમવાર સુધીમાં અન્ય કોઈ બિગ પ્લેયર ન આવી જાય તો સી-પ્લેન સર્વિસની કામગીરીમાં હાલ આ ત્રણેય કંપનીઓ વચ્ચે કાંટાની ટક્કર રહેશે . આગામી સમયમાં આ પ્રકારની સેવા રાજ્યના અન્ય ટુરિઝમ ડેસ્ટિનેશન ઉપર પણ શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.