નવી દિલ્હીઃ સરકારી તિજોરીને ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારમાં સંડોવાયેલી વિદેશી કંપનીઓ પાસેથી ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રૂપમાં દર વર્ષે 2.5 બિલિયન ડોલર (રૂ. 20,897.08 કરોડ)નું મોટું નુકસાન થઈ રહ્યું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી બોડી ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) એ આવા ગેરકાયદે વિદેશી પ્લેટફોર્મ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
AIGFના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રોલેન્ડ લેન્ડર્સે કહ્યું કે, વિદેશી કંપનીઓ વિવિધ રમતોને ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર સાથે જોડે છે. આનાથી વપરાશકર્તાઓ કાનૂની અને ગેરકાયદેસર ગેમિંગ વચ્ચે તફાવત કરવામાં અસમર્થ રહે છે. આ રીતે ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારમાં સંડોવાયેલી વિદેશી કંપનીઓ વપરાશકર્તાઓ સાથે છેતરપિંડી કરી રહી છે. આનાથી ભારતમાં કાયદેસર ઉદ્યોગને પણ નુકસાન થઈ શકે છે.
લેન્ડર્સે જણાવ્યું હતું કે, વિદેશી ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મ એક વર્ષમાં 12 બિલિયન ડોલર (રૂ. 1 લાખ કરોડ)ની રકમ એકત્ર કરી રહ્યાં છે. આનો અર્થ એ થયો કે સરકારને GST આવકમાં વાર્ષિક ઓછામાં ઓછા 2.5 બિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.
સંસ્થાના સીઇઓએ જણાવ્યું હતું કે વિદેશી ગેરકાયદે ગેમિંગ કંપનીઓએ વર્તમાન IPL સિઝન દરમિયાન વપરાશકર્તાઓને લલચાવવા માટે જાહેરાતોમાં તીવ્ર વધારો કર્યો છે. આમાંની ઘણી કંપનીઓ એટલી હિંમત બતાવી રહી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ પ્રચાર કરી રહી છે કે કોઈ GST અથવા TDS નહીં હોય.
લેન્ડર્સે જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ ઘણીવાર વપરાશકર્તાઓને નુકસાન પહોંચાડે છે. તેઓ કાયદેસર અને ગેરકાયદે ગેમિંગ કંપનીઓ વચ્ચે મૂંઝવણમાં આવે છે. યૂઝર્સને તેમની ચુંગાલમાંથી બચાવવા માટે કડક પગલાં ભરવા જરૂરી છે.
ગેમિંગ બોડીનું કહેવું છે કે ગેરકાયદેસર પ્લેટફોર્મના જોખમને રોકવા માટે સરકારે સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન (SROs) જેવા મોડલને વેગ આપવો જોઈએ. વિદેશી સંસ્થાઓના ભારતમાં કોઈ અધિકારી નથી. SRO જેવી સંસ્થા દ્વારા ચકાસણી કાયદેસર અને ગેરકાયદેસર પ્લેટફોર્મ વચ્ચે તફાવત કરવામાં મદદ કરી શકે છે.
સરકારે SRO લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ 90 દિવસની નિર્ધારિત સમય મર્યાદામાં આ થઈ શક્યું નથી. ઉદ્યોગ સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓએ તેની સ્થાપના માટે અરજી કરી હતી. લેન્ડર્સે જણાવ્યું હતું કે AIGFને કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓની અપડેટ માહિતી મળી નથી.
(PHOTO-FILE)