નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં સક્રિય હિઝ્બ ઉત તહરિર નામના સંગઠન સામે ભારત સરકારે આકરી કાર્યવાહી કરવાની સાથે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને હિઝ્બ ઉત તહરિરને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠન દેશમાં તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને નવા યુવાનોને લાલચ આપીને સંગઠિત આતંકવાદને અપનાવવા માટે પ્રેરિત કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં NIAની કાર્યવાહીમાં એવા ઘણા પુરાવા મળ્યા છે કે હિઝ્બ ઉત તહરિર સંગઠન રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. NIAના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે અને આ સંગઠનને આતંકવાદી સંગઠનની શ્રેણીમાં મુક્યું છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠન વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેમાં નિર્દોષ યુવાનોને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવામાં આવે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ગંભીર ખતરો છે. છેલ્લા એક વર્ષમાં આવા અનેક સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે HUT નિર્દોષ યુવાનોને ઈસ્લામિક સ્ટેટ (ISIS) જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં સામેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે HUT વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, સુરક્ષિત એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને અને નિર્દોષ યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા ‘દાવા’ મીટિંગ્સનું આયોજન કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.