- ભારત સરકારનો મહત્વનો નિર્ણય
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને લંબાવાયો
- 31 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધને વધારાયો
નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસના નવા સ્વરૂપે હાહાકાર મચાવી દીધો છે. બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેઇને ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. અત્યાર સુધીમાં યુકેથી પરત ફરેલા 20 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેઇન જોવા મળ્યા છે. કોરોનાના નવા સ્વરૂપના કેસ મહતમ દિલ્હીમાં જોવા મળ્યા છે. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે લગભગ 33 હજાર મુસાફરો બ્રિટનથી ભારત આવ્યા હતા. જેથી ભારત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જાન્યુઆરી 2021 સુધી વધાર્યો છે. આ પ્રતિબંધો વિશેષ ફ્લાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય એર કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, પરિસ્થિતિઓ અને અલગ – અલગ જગ્યાઓ મુજબ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે. 26 જુન 2020ના રોજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રને બદલીને નવો આદેશ આપવામાં આવ્યો છે.
નવો આદેશ જારી કરવામાં આવે તે પહેલાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર 2020 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડીજીસીએના નવા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ફક્ત સિલેક્ટેડ ફ્લાઇટ્સને જ મંજૂરી આપવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ બ્રિટનમાં આવેલા નવા કોરોનાના સ્ટ્રેઇન અંગેની ચિંતા વચ્ચે કહ્યું હતું કે, અમે સતર્ક છીએ, કોઈને પણ ડરવાની જરૂર નથી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે છેલ્લા એક વર્ષમાં કોવિડ -19 સાથે કામ કરવા માટે જરૂરી તમામ કામો કર્યા છે.
-દેવાંશી