દિલ્હીઃ ખેડૂતોને પોતાના પાકના પુરતા નાણા મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસ સહિતના વિવિધ પાકની ખરીદી કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોના ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્ર સરકારે ખરીફ માર્કેટિંગ સિઝનમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝનમાં સૌથી વધુ ખરીદી પંજાબમાંથી કરી હોવાનું જાણવા મળે છે.
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે, ચંદીગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં 30મી નવેમ્બર સુધી 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં 18 લાખથી વધુ ખેડૂતોને 570322 કરોડ રૂપિયાથી વધુના MSP મૂલ્યનો લાભ મળ્યો છે.
મંત્રાલયે જણાવ્યું કે, ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝનમાં સૌથી વધુ ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે, ત્યારબાદ હરિયાણા અને ઉત્તર પ્રદેશ છે. 2020-21માં, ઓછામાં ઓછા 1.31 કરોડ ખેડૂતોને 1.69 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્ય અને 8.94 કરોડ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાગે મગફળી અને કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ કપાસ અને મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી. બીજી તરફ ગુજરાત સરકારે ગેરરીતી કરનારાઓને આકરી ચેતવણી પણ આપી છે.